કજિયાનું મોં કાળું, ભણતરનું રૂપાળું

કજિયાનું મોં કાળું, ભણતરનું રૂપાળું
સૂર્યશંકર ગોર દ્વારા રાપર, તા. 29 : વાગડનું ધાડાધ્રો ગામ જ્યાં કેટલાક વર્ષો પહેલાં ખૂનખરાબા થતા, કજિયાનું મોં કાળું સમજી કેટલાય સીધા સાદા લોકો આ ગામને રામ રામ કરી નીકળી ગયા. જે ગામમાં અગાઉ ધારિયા અને ધોકા ઊડતા એ ગામના એક સાવ ગરીબ ખેતમજૂર કોળી પરિવારે વિકસતા જગત સાથે કદમ મિલાવી પોતાના ત્રણે સંતાનોને વિજ્ઞાન શાખામાં કાળી મજૂરી કરી ભણાવ્યા અને દાખલો બેસાડયો. આમ તો 2001ના ભયાવહ ભૂકંપ બાદ મુખ્યમંત્રી પદેથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી અને શિક્ષણમાં ક્રાંતિકારી કામ સૌને સાથે રાખી ઉપાડયું. ધોમધખતા તાપમાં આ માણસે ગુજરાતને ગામડે ગામડે બાળકોને વાજતે -ગાજતે પ્રેમાદર સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો. રીતસર પોતે ગામડાંઓમાં જઈ કહ્યું કે હું તમારી પાસે ભીખ માગુ છું. તમારા સંતાનોને ભણાવો, ખાસ દીકરીઓને ભણાવો... આ વાત અનેક અનેક લોકોએ ગાંઠે બાંધી. એમાં વાગડના ધાડાધ્રો ગામના બાબુભાઇ દુદાસણા અને તેમના પત્ની સોનીબેને પણ મનમાં પાકો નિર્ધાર કર્યો કે લૂખું ખાશું, કપડાંને બે થીગડાં મારશું પણ સંતાનોને અચૂક ભણાવશું ... બે દીકરા અને એક દીકરી આમ ત્રણેને પેટે પાટા બાંધી એમણે ભણાવ્યા. એમાં સરકારની શિષ્યવૃત્તિ પણ એક ટોનિક તરીકે ખાસ કામ આવી. ત્રણે બેન- ભાઈનું શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ ધાડાધ્રો પ્રાથમિક શાળામાં, ત્યાથી વલ્લભપુર મગનભાઇ સોની સ્થાપિત સંસ્થામાં, ત્યાંથી જુદી જુદી જગ્યાએ ભણ્યા, એમાં મોટો પુત્ર રાજેશ રાધનપુર, થરા, આણંદ, અમદાવાદમાં ભણી એમ.એસસી. સુધી અભ્યાસ કરી હાલે રિલાયન્સ પેટ્રોલિયમ જામનગરમાં સારી પોસ્ટ પર છે, બીજા નંબરે બેન અમિતા પણ સંઘર્ષ કરીને હાલે બી.એસસી.નર્સિંગ ભુજમાં કરે છે. તો નાનો ભાઈ ભરત હાલે આણંદમાં વિજ્ઞાન શાખામાં બારમાં ધોરણમાં ભણે છે. વિજ્ઞાનમાં અનુસ્નાતક થનાર રાજેશ કહે છે કે અમને અનેક શિક્ષકોએ હૂંફ આપી આગળ લેવામાં પોતાની ભૂમિકા ભજવી છે. શિક્ષણ એ ત્રીજી આંખ છે. ભણેલો માણસ ક્યારેય ઘણા ભાગે કાયદો હાથમાં લેતો નથી, એ આગળ-પાછળનો વિચાર કરે છે. સરકાર ગરીબ વર્ગના બાળકો માટે અનેક કાર્યક્રમો ચલાવે છે એનો લાભ લઈ આગળ વધી સમાજ અને દેશની સેવા કરવા પર આ ધાડાધ્રોનો શિક્ષિત યુવાન ભાર મૂકે છે. પોતાના અભણ મા-બાપે જે કાળી મજૂરી કરી અમને ભણાવ્યા છે એ ક્યારેય નહીં ભૂલાય. પોતે જ્યાં ગયો ત્યાં ઉત્તમ વ્યવહાર થકી પોતાના નાના ભાઈ-બહેનને પણ ત્યાં અવસર મળતો ગયો... આજે ત્રણે બહેન - ભાઈ સંઘર્ષ પછી આગળ વધી રહ્યા છે...

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer