પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો લોકો માટે લોહી ચૂસનારો

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો  લોકો માટે લોહી ચૂસનારો
ભુજ, તા. 29 : લોકડાઉનનાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો તથા સેન્ટ્રલ એકસાઇઝ ડયૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી દેશના લોકે પીડા સહન કરી રહ્યા છે. હાલના કોરોના જેવા સંવેદનશીલ સમયગાળામાં સરકાર નફાખોરી કરી રહી છે. તેવા આક્ષેપો સાથે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચનાથી સમગ્ર કચ્છમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, 2014માં ભાજપ સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર એકસાઇઝ ડયૂટી 9.20 રૂા. પ્રતિ લિટર જ્યારે ડીઝલ પર પ્રતિ લિટર 3.46 રૂા. હતી. જ્યારે હાલમાં પેટ્રોલ પર 23.78 પ્રતિ લિટર તથા ડીઝલ પર 28.37 પ્રતિ લિટર એકસાઇઝ ડયૂટી લગાવી 2.58 ટકાનો આઘાતજનક વધારો કર્યો છે તથા એકસાઇઝ ડયૂટીમાંથી છ વર્ષનાં અંતે સરકારે 18,00,000 કરોડની કમાણી કરી છે. જે બાબત સૂચવે છે કે ભાજપ સરકાર લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. કેંગ્રેસના આગેવાનોએ રેલી સ્વરૂપે વાહનને દોરડાથી બાંધી પ્રતીક વિરોધ દર્શાવ્યો હતો. જેમાં રવીન્દ્ર ત્રવાડી, હરેશ આહીર, રાજેન્દ્રસિંહ જાડેજા, ડો. રમેશ ગરવા, ગનીભાઇ કુંભાર, દીપક ડાંગર, મુસ્તાક હિંગોરજા, ફકીર મામદ કુંભાર, આઇશુબેન સમા, રસિકબા જાડેજા, અંજલિ ગોર સહિત 25 આગેવાનોની અટકાયત કરાઇ હતી. ઉપરાંત રેલી દરમ્યાન પોલીસ મહિલા આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. નખત્રાણા તાલુકા કોંગ્રેસના વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ, રમેશ ધોળુ, નૈતિક પાચાણી વિ. દ્વારા મામલતદારને આવેદન આપી વિરોધ વ્યક્ત કરાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer