કોરોનાના ભયને લઈને ગાંધીધામની ત્રણ બજારો બંધ કરવા તંત્રનો આદેશ

કોરોનાના ભયને લઈને ગાંધીધામની   ત્રણ બજારો બંધ કરવા તંત્રનો આદેશ
ગાંધીધામ, તા. 29 : શહેરના સેક્ટર 4-5 વચ્ચે ભરાતી શનિવારી બજાર તથા વાવાઝોડાં કેમ્પ પાસે ભરાતી બજાર બંધ કરાવવા પ્રાંત અધિકારીએ આદેશ આપતાં આ બંને બજારો બંધ કરાવવા પાલિકાએ ડી.પી.ટી. તથા પોલીસને જાણ કરી હતી. દરમ્યાન સુંદરપુરી પાણીના ટાંકા પાસે ભરાતી બજાર પાલિકાએ આજે બંધ કરાવી હતી. શહેરના સેકટર-4-5 વચ્ચે પાલિકાના બગીચા તથા પાણીના ટાંકા પાસે દર શનિવારે શનિ બજાર ભરાય છે, જેમાં લોકોની ખૂબ ભીડ રહેતી હોય છે. તેમજ વાવાઝોડા કેમ્પ નજીક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા શાખાની બાજુમાં પણ દરરોજ સવાર-સાંજ બજાર ભરાય છે. અહીંયા પણ લોકોની ખૂબ ભીડ રહેતી હોય છે. આ બંને બજારોમાં લોકો વચ્ચે સામાજિક અંતર જળવાતું નથી. હાલની કોરના મહામારીના પગલે આ વાયરસ વધુ ફેલાવવાની શકયતા હોવાથી પ્રાંત અધિકારીએ આ બંને બજારો બંધ કરાવવા આદેશ આપ્યો હતો. આ બજારો જ્યાં ભરાય છે તે ડી.પી.ટી.ની જગ્યા હોવાથી પાલિકાએ ડી.પી.ટી.ને પત્ર લખી પોતાના સુરક્ષાકર્મીઓ સાથે આ માર્કેટ બંધ કરાવવા જણાવ્યું હતું તેમજ આ બંને માર્કેટ બી -ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી હોવાથી પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે નગરપાલિકાની ટીમે આજે સુંદરપુરી પાણીના ટાંકા પાસે ભરાતી બજાર બંધ કરાવી હતી તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer