કચ્છનો સાંસ્કૃતિક વારસો ફરી ઝળક્યો

કચ્છનો સાંસ્કૃતિક વારસો ફરી ઝળક્યો
ભુજ, તા. 29: કચ્છના વધુ એક સાંસ્કૃતિક વારસાને ટપાલ ટિકિટમાં સ્થાન મળ્યું છે. લોક સંગીત વાદ્ય સુરાન્દોની ખાસ ટિકિટ બહાર પડાતાં સરહદી આ જિલ્લો ફરી એકવાર ગૌરવ અનુભવી રહ્યો છે. ભારતની સંગીત પરંપરા અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ છે. મધ્ય પાષાણ યુગની ગુફાઓમાં પણ વાદ્ય સંગીતનાં સાધનોનાં ચિત્રો અને હડપ્પન સંસ્કૃતિમાં પણ પ્રાચીન સંગીતનાં વાદ્યો મળી આવે છે. જે દર્શાવે છે કે, આપણો સંગીત વારસો સેંકડો વર્ષોથી સચવાયેલો છે. આ વારસાને કાયમી જાળવી રાખવા અને યાદગાર બનાવવા ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા વિચરતી જાતિઓનાં સંગીત વાદ્યો શ્રેણીમાં 12 ટપાલ ટિકિટોનો સેટ તાજેતરમાં જારી કર્યો છે. જેમાં દેશના છ જુદા જુદા લોકસંગીત વાદ્યો દર્શાવતી સી-ટેનન્ટ ખાસ ટપાલ ટિકિટોની શ્રેણી બહાર પડાઇ છે. જેમાં કચ્છના લોકસંગીત વાદ્ય `સુરાન્દો'ની પાંચ રૂપિયાની બે ટપાલ ટિકિટ બહાર પડાઇ છે. જેમાં એકમાં સંગીત વાદ્ય સુરાન્દો અને બીજી ટિકિટમાં સુરાન્દો વગાડતો લોકગાયક દર્શાવાયો છે. દરેક ટિકિટ પાંચ લાખની સંખ્યામાં બહાર પાડવામાં આવી છે. તેના `ફર્સ્ટ ડે કવર' પ્રથમ દિવસ આવરણ પણ બહાર પડાયા છે. આમ અત્યાર સુધી બહાર પડેલી ટિકિટોમાં કચ્છને લગતા ઘણા વિવિધ વિષયો જેવા કે, કચ્છ મ્યુઝિયમ, શ્યામજી કૃષ્ણ વર્મા, ઘુડખર, હેન્ડીક્રાફટ, પંડિત દીનદયાલ પોર્ટ-કંડલા, એમ્બ્રોઈડરી વિ. વિષયો ઉપર બહાર પડેલી ટિકિટોમાં એક ટિકિટ ઉમેરાતાં કચ્છના ફિલાટેલિસ્ટોમાં આનંદની લાગણી ફેલાઇ છે. સુરાન્દો તંતુવાદ્ય શ્રેણીનું પ્રાચીન વાદ્ય છ,ઁ જેનો ઉપયોગ કચ્છના જત સમુદાયના લોકો તેમના પારંપરિક લોકગીતમાં કરે છે. આ વાદ્ય લાકડાના એક જ ટુકડામાંથી પૂરી સાવચેતીપૂર્વક બારીકાઇથી તૈયાર કરાય છે, જેથી તેના આકારમાં કોઇ ખામી ન રહી જાય અને તેમાંથી નીકળતી ધૂનની મધુરતા કાયમ રહે. એની ચાપ લાકડા પર ઘોડાના વાળ કે તાર બાંધી બનાવાય છે. તારને સીધા રાખી કમાન વડે આગળ પાછળ ચલાવીને વગાડવામાં આવે છે અને તેમાંથી નીકળતું સૂરીલું સંગીત કચ્છની વિશિષ્ટતા છે, તેવું કચ્છ ફિલાટેલિક એસો. ભુજના મંત્રી દિનેશ મહેતાની યાદીમાં જણાવાયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer