સાંઢા સાથે વીડિયો બનાવનાર બે જણ દુધઈથી પકડાયા

અંજાર, તા. 29 : સાંઢા નામના વન્યજીવને પકડીને રંજાડવું કે હેરાન કરવું કાનૂની અપરાધ છે ત્યારે કચ્છમાં એક જણે સાંઢાને પકડીને ટિકટોક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો, જેથી વનવિભાગે હરકતમાં આવી 24 કલાકમાં બે ઈસમોની દુધઈથી અટક કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ કચ્છમાં અગાઉ સાંઢા વન્યજીવનો સામૂહિક હત્યાકાંડ સામે આવી ચૂક્યો છે, ત્યારે જમીનમાંથી સાંઢા કાઢી તેની સાથે ટિકટોક વીડિયો બનાવવો યુવકને ભારે પડયું છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આ ગુનો બનતો હોવાથી પૂર્વ કચ્છ અંજાર નોર્મલ રેન્જ ડીએફઓ વન અધિકારી હર્ષ ઠક્કરની સૂચનાથી અંજાર રેન્જના આર.એફ.ઓ. અજયસિંહ રાઠોડ અને દુધઈ અંજાર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર નીરવ ગઢવી, એન. કે. મહેશ્વરી તથા અંજાર રેન્જની ટીમ દ્વારા વીડિયોની તપાસ કરી વીડિયોમાં દેખાતા ઈસમોને દુધઈ ગામથી 24 કલાકની અંદર પકડી લેવાયા હતા અને દંડ ફટકારાયો હતો અને લોકોમાં ફફડાટ ફેલાયેલો હતો. યૌન શક્તિવર્ધક તેલ તરીકે સાંઢાનો ઉપયોગ થાય છે જે ગેરકાયદેસર કૃત્ય છે. વન વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા થઈ રહી છે.