મુંદરાની જોખમી ઈમારત પણ તોડવાની શરૂ

મુંદરાની જોખમી ઈમારત પણ તોડવાની શરૂ
મુંદરા, તા. 29 : ભૂકંપ ઝોન પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં જર્જરિત અને જોખમી ઈમારતો ઉતારવાની સલાહને પગલે રાપર બાદ હવે ક્ષતિગ્રસ્ત ઈમારતોને તોડી પાડવાની ગ્રામ પંચાયતની ઝુંબેશના ભાગરૂપે મુંદરાના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મરિન હાઉસ નામે ઓળખાતી બિલ્ડિંગને પણ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય રાજમાર્ગ ઉપર આવેલી આ બિલ્ડિંગના ડેવલોપર્સને ગ્રા. પં. દ્વારા બિલ્ડિંગ તોડી નાખવાની નોટિસ મળી હતી, જેના અનુસંધાને ગાંધીધામની એક પાર્ટીને બિલ્ડિંગ તોડી નાખવાનું કામ આપવામાં આવ્યું હતું અને આજે તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સરપંચ ધર્મેન્દ્ર જેશરે જણાવ્યું કે, મરિન હાઉસ ઉપરાંત નગરની અંદરના ભાગે આવેલી જર્જરિત બિલ્ડિંગોને તોડવાની નોટિસો આપવામાં આવી છે. સ્થાનિક પી.આઈ. પી. કે. પટેલે જણાવ્યું કે, બિલ્ડિંગ તોડતી વખતે કોઈ અકસ્માત ન થાય તે માટે મરિન હાઉસની પશ્ચિમનો રસ્તો હંગામી ધોરણે બંધ કરવામાં આવશે. તેમ ખાનગી વાહનોને ત્યાં પાર્ક ન કરવાની સૂચના આપવામાં આવશે. મુખ્ય એસ.ટી. રોડ તરફ રાત્રિના ભાગે તોડવાની કામગીરી કરવામાં આવશે. મરિન હાઉસ તોડવાની કામગીરી શરૂ થતાં જર્જરિત અને જોખમી ઈમારતોના મકાન માલિકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. અંદાજે 8થી 10 અન્ય ઈમારતોને પણ તોડવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer