ભારાસરે પણ જળસંચયની પહેલ કરી

કેરા (તા. ભુજ), તા. 29 : ચોમાસું આવી ચૂક્યું છે ત્યારે લોકો જાગૃત છે, જાગે છે એટલે ભારાસર જેવા નાના ગામે પાંચા તળાવની આવ વધારવા બે કિ.મી. સફાઈ, 100 મીટર પાઈપ, ચેકડેમ જેવા કાર્યો સામૂહિક શ્રમે સાકાર કરી લીધા છે. ભારાસર ગ્રા.પં.એ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા માટે નદી જળસ્રાવ વિસ્તારમાંથી સિમેન્ટ પાઈપ પાથર્યા છે. 12 ફૂટ ઊંડાઈએ માટી ખોદી કામ થયું છે. ભારાસર સ્પોર્ટસ સેન્ટરના યુવાનોએ ગામના બિનનિવાસી દાતા વાલજીભાઈ વેલજી હીરાણીના આર્થિક સહયોગથી પાંચા તળાવની આવ વધારવાનું કાર્ય શરૂ કર્યું. આખું ગામ જોડાયું, સૌએ શ્રમદાન કર્યું, ચાર દિવસ માટે માટી બંધ સાથેનો મિનિ ડેમ બે ડુંગર વચ્ચે તૈયાર કરી દેવાયો, બે કિ.મી. વહેણ સાફ થયાં, 3 ફૂટ વ્યાસવાળી 12 ફૂટ ઊંડાઈએ સિમેન્ટ લાઈન બિછાવાઈ. હવે ગામની આજુબાજુના પાણી વ્યર્થ વહીં નહી જાય એવું આયોજન થયું. કાર્યો માટે અગાઉ ગામના વરિષ્ઠ દાતા વિશ્રામભાઈ જાદવા વરસાણી `િવજય' સહયોગ આપતા રહ્યા છે. તેમણે પાંચા તળાવમાં બોટિંગ પિકનિક પણ આરંભેલુ હતું.હાલ રામજી કાનજી હીરાણી, સરપંચ નીલેશભાઈ વરસાણી, ઉપસરપંચ કાનજીભાઈ તથા પંચાયતી સર્વે સભ્યો, તળાવ સમિતિ પ્રમુખ નટવરલાલ, ગૌરક્ષણ પ્રમુખ ધનજી લાલજી, ગામના સ્વામિનારાયણ મંદિરોના પ્રમુખ અને સભ્યો, સ્પોર્ટસ સેન્ટર પ્રમુખ લાલજીભાઈ તથા સભ્યોએ ધોમધખતા તાપમાં આંખ ઠારતું કામ કરી બતાવ્યું છે. સાદી સમજથી આગેવાનોએ સ્રાવ વિસ્તારનું સર્વે કર્યો અને અરસપરસ વિચાર-વિમર્શ કરી ગ્રામ્યક્ષેત્રે જળસંચયનું ઉમદા કાર્ય કર્યું છે. ચોવીસીમાં હાલ સામત્રા પછી ભારાસરે પ્રેરક દિશા પકડી છે.