બાળકોએ કલેક્ટરને કહ્યું, અમને રમવા દ્યોને !

ભુજ, તા. 29 : શહેરના શિવકૃપા નગર વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક કોલોનીના નાનાં-નાનાં બાળકો પોતાની માતાઓ સાથે આજે કલેકટર પાસે પહોંચ્યા ને કહ્યું અમને રમવું છે, રમવા દ્યોને... કોલોનીના એઁક સાર્વજનિક પ્લોટમાંથી નાના-મોટા વાહનોની સતત થતી અવર-જવરને બંધ કરાવવા માગણી કરવામાં આવી હતી. શહેરના કચ્છ મારબલ પાસેની આ કોલોનીના રહેવાસીઓ માટે અનામત રખાયેલા કોમન પ્લોટમાં થોડા સમય પહેલાં જ નગરપાલિકાએ ઇન્ટરલોકની સુવિધા કરી આપી છે, બહેનોને બેસવા સિમેન્ટના બાંકડા નાખવામાં આવ્યા છે. પરંતુ આજે બાળકોએ કલેકટરને કહ્યું કે, અહીં અમે રમી નથી શકતા. રહેવાસીઓ વતીથી બાળકો સાથે ગયેલા સેજલબેન વ્યાસે કલેકટરને જણાવ્યું હતું કે, વહેલી સવારથી રાત સુધી વાહનો સતત પસાર થતા હોય છે ને કયાંક તો નાના બાળકો રમતા રમતા અકસ્માતનો ભોગ બન્યા છે, બાઇકવાળા ફંગોળીને નાશી જાય છે. પોતાના ઘરમાં લોકો શાંતિથી રહી શકે છે પણ અમારી શાંતિ હણાઇ ગઇ છે. આડેધડ આવતા વાહનોના હોર્ન સતત સાંભળીને ત્રાસ છૂટે છે. વળી સાર્વજનિક પ્લોટનો નિયમ છે કે કોલોનીના રહેવાસીઓ જ માત્ર ઉપયોગ કરી શકે પરંતુ અહીં અગાઉ દિવાલ હતી તે તોડીને ગેરકાયદે રોડ બનાવી નાખવામાં આવ્યો છે, જે તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે. ખેટી રીતે વાહનો અમારા સાર્વજનિક પ્લોટમાંથી આવ-જા કરે છે, કલેકટરને બિનખેતી થયેલા નકશા વગેરે આપવામાં આવ્યા હતા. જાહેર રસ્તો બની ગયેલી આ વ્યવસ્થાને બંધ કરાવવા માગણી કરાતાં કલેકટરે તુરંત અધિકારીઓને મોકલી નિરીક્ષણ કરાવવા ખાતરી આપી હતી. રહેવાસી મહિલાઓએ આ મુદ્દે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરનું પણ ધ્યાન દોર્યું હતું અને કલેકટરને વધુમા જણાવ્યું કે જો ન્યાય નહીં મળે તો ન્યાય મેળવવા અમે મહિલાઓ બાળકો સાથે કલેકટર કચેરીએ ઉપવાસ પર બેસી જશું.