ભાત બજારના કચ્છી વેપારીઓની ખુમારી અને માનવતા

ભાત બજારના કચ્છી વેપારીઓની ખુમારી અને માનવતા
કનૈયાલાલ જોશી તરફથી મુંબઇ, તા. 29 : કોરોના મહામારીના કાળમાં ભાત બજારના અનાજના વેપારીઓએ ખરેખર રંગ રાખ્યો છે. પહેલા લોકડાઉનથી જ ગ્રાહકોની ભીડ થવા લાગી હતી. તેમને શિસ્તમાં રાખીને જરૂરિયાત પૂરી કરી એ સાથે નોકરો વતન જતા રહ્યા હોવાથી ઘરના સભ્યોને કામે લગાડીને સેવાભાવથી કામ કર્યું હતું. કોરોના સંક્રમણથી બચવા લોકોની ભીડ?ન થાય એ માટે ભાત બજારની એન્ટ્રી પાસે બેરીકેડ ઊભા કરીને ગ્રાહકોને કતારમાં ઊભા રાખ્યા હતા. ધક્કામુકકી ન થાય એ માટે ભાત બજારના રહેવાસીઓ અને પોલીસે મદદ કરી હતી. આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોવા છતાં ભય વચ્ચે વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી. બજાર ખુલ્લી રખાવવામાં વેપારી અગ્રણી કેકીન પ્રવીણચંદ્ર કેનિયાની મુખ્ય ભૂમિકા રહી હતી. કેકીનભાઇ કેનિયા (બારોઇ)એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભાત બજારમાં અનાજ કરિયાણાની વીસેક દુકાન છે. 22મી માર્ચથી પહેલું લોકડાઉન લાગુ કરાયું એ દિવસથી આખી બજાર બંધ પડી ગઇ. માત્ર અનાજના વેપારીઓને છૂટ અપાઇ હતી. માંડ પાંચ-છ અનાજની દુકાનો ખુલ્લી હતી. શરૂઆતનો દોઢ મહિનો કટોકટી હતી. કોરોના સંક્રમણનું જોખમ હતું. ખરીદી માટે ભીડ થતી એટલે બેરીકેડ લગાડીને ગ્રાહકોને કતારમાં ઊભા રાખવાનું ચાલુ કર્યું. અમે દુકાનમાં માસ્ક પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખતા. ગ્રાહકોને શિસ્તમાં રાખવા મસ્જિદ બંદર રહેવાસી સંઘ અને મહારાષ્ટ્રીયન મંડળના ભાઇઓએ મદદ કરી. શરૂઆતમાં રાશન કિટનું વિતરણ કરનારા દાતાઓની ઘણી ઘરાકી રહી. અમને જરૂર પડતી ત્યારે પાયધૂની પોલીસ સ્ટેશનના સિનિયર સુભાષ દૂધગાંવકર, ભાત બજાર સ્ટેશનના મહેશ બોલકે અને તેમની ટીમ અમને સહયોગ આપતી. આજે પણ ખડેપગે રહે છે. પછી બીજા વેપારીઓને દુકાનો ખોલવા સમજાવ્યા. એમની વ્યવસ્થા સંભાળવા બબ્બે કલાક એમની દુકાને હું ઊભો રહેતો. મારી દુકાનમાં ઘરના સભ્યોને કામે લગાડયા હતા. સાંજે પથી 9 હું ફોન પર ઓર્ડર લેતો. બીજા દિવસે પેકિંગ કરાવતો. લાઇનમાં ઊભા રહેતા તેમને માલ આપતા. ઉપરાંત જેમના ઘરમાં માત્ર વડીલો જ હોય તેમને દૂરદૂરના પરાંઓમાં તેમના નિવાસે ડિલિવરી કરી. 14 સંસ્થાઓને માલ પહોંચાડતો, જેમાં દાદરની સંત ઘાડગે મહારાજ ટ્રસ્ટ, ટાટા હોસ્પિટલ (મેહુલભાઇ) છે. અમારી દુકાન ભાત બજારમાં ઇ.એચ. કાચવાલા 78 વર્ષ જૂની પેઢી છે. જેની સ્થાપના મોરારજી કેશવજી કેનિયા (બારોઇ)એ કરી હતી. આજે ચોથી પેઢી બેસે છે. છેલ્લા 15 દિવસથી ઓડ ઇવન સિસ્ટમ ચાલે છે. એટલે એક બાજુની દુકાનો ખુલ્લી રહે છે. ભાત બજારમાં કોરોનાના આઠ દર્દી છે, છતાં અમે દુકાનો ખુલ્લી રાખી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer