રખડતા ઢોરોની સુધરાઇ લાજ કાઢતી હોય તેવો તાલ

રખડતા ઢોરોની સુધરાઇ લાજ કાઢતી હોય તેવો તાલ
ભુજ, તા. 29 : શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હલ થવાનું નામ જ નથી લેતી અને ભુજ સુધરાઇના સત્તાધીશોના પેટનું પાણી પણ નથી ચાલતું કે, લોકસમસ્યા ઉકેલે. વિરોધ ઊઠે ત્યારે દેખાડા પૂરતી ટીમ પાંજરા સાથે નીકળે અને લેખેલા ઢોર પકડે. એકાદ બે દિવસ નાટક ચાલે અને પછી જૈસે થે. ભુજની હાલત દિવસો દિવસ બદથી બદતર બનતી જાય છે. જેમને મત આપીને ખભે બેસાડયા છે તેઓ લોક સુવિધા આપવામાં ઊણા ઉતરી રહ્યા છે. ભુજના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યા વકરતી જાય છે. અમુક વિસ્તારો અને મુખ્ય માર્ગો તો રીતસરના વથાણમાં ફેરવાઇ ગયા છે. કચ્છમિત્ર સર્કલથી બસ સ્ટેશન તરફ જતા માર્ગે મોટી સંખ્યામાં ગૌવંશો રસ્તો અવરોધી ઊભા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોના નાકે દમ આવી જાય છે. રાત્રે તો આ સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી લે છે અને મુખ્ય માર્ગ ગૌશાળામાં ફેરવાઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ સમસ્યાને નાથવા ફાયર શાખા નજીક ઢોરવાડો બનાવાયો હતો અને રખડતા ઢોર પકડી ઢોરવાડે રખાતા હતા. જો કોઇ માલિક છોડાવા આવે તો તેની પાસે દંડ વસૂલાતો પણ આવા લોકલક્ષ કાર્યો ઝાઝે સમય નથી ટકતા અને યેનકેન કારણોસર ઢોર પકડવાનું જ બંધ કરી દેવાયું. સુધરાઇની લાપરવાહીને પગલે આ સમસ્યાએ શહેરીજનોના ભોગ પણ લીધા છે અને અસ્થિભંગ જેવી ઇજાઓ તો અનેક લોકોને થઇ છે પરંતુ રખડતા ઢોરને પકડવાનું કામ સાવ બંધ જ થયું હોય તેમ લાગી રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, ભાજપ કાર્યાલય પણ નજીક જ છે અને તેમાં અવર-જવર કરતા પક્ષના અગ્રણીઓ આ સમસ્યાથી સુપેરે વાકેફ હોવા છતાં સુધરાઇને ઢોર પકડવા ફરજ નથી પાડી શકતા. વિકાસના નારા વચ્ચે રખડતા ઢોરોની સમસ્યા વધતી જાય છે અને ભુજ શહેરને બદલે ગામડું થઇ જાય તો નવાઇ નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer