ગ્રામ પંચાયત એટલે ગ્રામ વિકાસનું ઘર : માથકમાં લોકાર્પણ થયું

ગ્રામ પંચાયત એટલે ગ્રામ વિકાસનું ઘર : માથકમાં લોકાર્પણ થયું
અંજાર, તા. 29 : રાજ્ય સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રૂા. 14 લાખના ખર્ચે નવનિર્મિત માથક ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત ઘર, પંચાયત કચેરી એ ગ્રામ વિકાસનું કેન્દ્ર છે. ગ્રામજનોની આ ગ્રામ પાર્લામેન્ટમાં પ્રજાના વિકાસકામો અને જનહિતના કામોનો સુપેરે તત્કાળ નિકાલ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીવાળી પંચાયત કચેરીઓનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. જેનો લાભ દરેક ગ્રામજનો મેળવશે. અંજાર તાલુકાના માથક ગામે વર્ષ 2019/20માં અંદાજે રૂા. 75 લાખના ખર્ચે 2.00 કિમીનો માથક એપ્રોચ રોડ મંજૂર થયેલો છે, જેના કારણે ગ્રામવાસીઓની સગવડતા વધશે, તેવું કહેતાં આ પ્રસંગે રાજ્યમંત્રીએ વીરા ગામના પશુપાલક માંડણ મજાભાઈ ગંગાને તા. 7-6-2020ના આકાશી વીજળી પડવાથી ભેંસનું મૃત્યુ થતાં પશુ મૃત્યુ સહાય પેટે રૂા. 30 હજારનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની નેમ છે, આધુનિક ટેકનોલોજીવાળા પંચાયત ઘરો બને. આવી કચેરીઓમાંથી ગ્રામ વિકાસની ઉત્તમ કામગીરી થશે એવી અભ્યર્થના કરતાં તેમણે કહ્યું કે, 15મા નાણાંપંચમાં જિલ્લા વિકાસની કામગીરી માટે ફાળવાતાં નાણાંના વિકાસમાં ઉપયોગથી પ્રજાહિતમાં કાર્યો થઈ રહ્યા છે. સરપંચ મહેશભાઈ ડાંગર અને ગ્રામજનોએ રાજ્યમંત્રીનું મોમેન્ટો, પાઘડી અને શાલ દ્વારા સન્માન કર્યું હતું. અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ આહીર, આસપાસના ગામોના સરપંચો, એટીવીટી સભ્ય રામજીભાઈ, બાબુભાઈ માંડણ, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ઈજનેર એમ. આઈ. સૈયદ, ચિરાગ ડુડિયા, અભેચંદ દેસાઈ, તલાટી, અંકિતાબેન ઠક્કર, ગ્રામ અગ્રણીઓ અને પંચાયતના સભ્યો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer