મુંદરામાં નેટ બેંકિગ મારફત 20?લાખની છેતરપિંડી

ભુજ, તા. 29 : મુંદરાની બુખારી શિપિંગ એન્ડ લોજિસ્ટિક કંપનીના બેન્ક ખાતામાંથી નેટ બેંકિગ મારફત ઓનલાઈન ચાર અલગ-અલગ ટ્રાન્જેકશન કરી રૂા. 19,97,022 રૂપિયા કોઈ અજાણ્યા ઈસમે ઉસેડી લેતા છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ બાબતે મુંદરા પોલીસ મથકે ફરિયાદી આમીર હુસેન બુખારીએ લખાવેલી ફરિયાદની વિગતો મુજબ આમીરભાઈનો મોબાઈલ ફોન ખોવાઈ જતાં તેમણે વોડાફોનમાં જાણ કરી પોતાનો નંબર બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ આ મોબાઈલ ફોનનો કોઈ અજાણ્યો આરોપી જેનો મો.નં. 91048 62331 છે. તેણે ગઈકાલે રાત્રે ચાર અલગ-અલગ ટ્રાન્જેકશનથી બુખારી શિપિંગ એન્ડ લોજિસ્ટિક કંપનીના બેન્ક ખાતામાંથી નેટ બેંકિંગ મારફત કુલ 19,97,022 રૂપિયા ઉપાડી લીધા હતા. આમીરભાઈ સાથે મોટી રકમની છેતરપિંડી થતાં તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ હવે મોબાઈલ ફોન નંબર અને આઈપી એડ્રેસના આધારે પોલીસ આ કેસનું પગેરું દબાવા આગળ વધશે. સ્માર્ટફોન, લેપટોપ કે કોમ્પ્યુટર ગુમ થાય ત્યારે તો શક્ય ન બને પરંતુ જો તેને વેચાણે આપવું હોય ત્યારે તેમાંનો સમગ્ર ડેટા સાફ કરી નાખવાની સલાહ તજજ્ઞો હંમેશાં આપતા જ હોય છે. અને તેના પાછળનો મુખ્ય કારણ આવીજ ઘટનાથી બચવાનું છે. આમેય ટેકનોલોજીના યુગમાં અનેક લોકો સ્માર્ટફોન અને નેટ બેંકિંગનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આવી નવતર પ્રકારની છેતરપિંડીથી દરેકે સજાગ રહેવાની આજના સમયમાં ખાસ જરૂર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer