ટોલનાકાનું ફાસ્ટ ટેગ ત્રણ મહિના ન વપરાય તો બ્લેક લિસ્ટ થાય !

ગાંધીધામ, તા. 29 : કોરોનાને લઈને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન લોકોને ઘરમાં રહેવા સરકારે ફરજ પાડી હતી. તેવામાં કોઈ વાહનો ટોલનાકે આવે નહીં તે સ્વાભાવિક છે. કચ્છના ટોલગેટ ઉપર આવાં વાહનોએ ફાસ્ટ ટેગનો ત્રણ મહિના ઉપયોગ નહીં કરતાં કેટલાકના ફાસ્ટ ટેગ બ્લેક લિસ્ટેડ કરી દેવાયા હોવાનું પ્રકાશમાં આવતાં આશ્ચર્ય સર્જાયું છે. ટોલ ગેટ ઉપર વાહનોને વધુ રોકાવું ન પડે તે માટે ફાસ્ટ ટેગની પદ્ધતિ અખત્યાર થઈ છે. ફાસ્ટ ટેગ ધરાવનારનો ટોલ આપોઆપ કપાઈ જતો હોય છે. આવા વાહનોને ઝાઝી વાર ઊભવું પડતું હોતું નથી. કેટલાક વાહનચાલકો આજે અમદાવાદથી અહીં આવ્યા ત્યારે ટોલગેટ ઉપર તેમનું ફાસ્ટ ટેગ બ્લેક લિસ્ટ થયું હોવાનું જાણમાં આવ્યું હતું. કારણ પૂછતાં એવું કહેવાયું હતું કે, ત્રણ મહિના તે વપરાયું નહીં હોવાથી આમ થયું છે. ફાસ્ટ ટેગના વોલેટમાં નાણાં હોવા છતાં તેને બ્લેક લિસ્ટ કરાયું હતું. છેલ્લા ત્રણ મહિના સરકારનું જ લોકડાઉન હતું તો ફાસ્ટ ટેગનો ઉપયોગ કઈ રીતે થઈ શકે ? વાહન માલિકોએ ડખો કરતાં કેટલાકના બ્લેક લિસ્ટ હટાવાયા હોવાનું જાણવા મળ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer