ભુજના પાંચ વોર્ડ માટેના શિવકૃપા ટાંકાની સ્લેબ ધ્વસ્ત

ભુજના પાંચ વોર્ડ માટેના શિવકૃપા ટાંકાની સ્લેબ ધ્વસ્ત
ભુજ, તા. 5 : જેની લાંબા સમયથી ભીતિ વ્યકત થતી હતી તેવો શિવકૃપાનગર ખાતે આવેલો અને ભુજના પાંચ વોર્ડને પાણી પૂરું પાડતો તેમજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઊભેલા ટાંકાની સ્લેબ અંતે આજે સવારે ધરાશાયી થઇ હતી. ભુજમાં પાંચેક વોર્ડને જેમાંથી પાણી પૂરું પડાય છે તેવો શિવકૃપા ટાંકો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેના સ્થાને સત્વરે નવો ટાંકો બનાવવાની અનેક રજૂઆતો કરાઇ હતી. વખતોવખતની જાગૃત લોકો તથા વિપક્ષની માંગને પગલે અંતે ઉપરોકત ટાંકાની બાજુમાં જ નવા ટાંકાનું ખાતમુહૂર્ત કરાયું અને લોકોને થયું કે, હવે તો થોડા સમયમાં જ નવો ટાંકો તૈયાર થઇ જશે પણ એવું થયું નહીં અને ખાતમુહૂર્ત કાર્યક્રમનો સત્તાધીશોએ માત્ર આનંદ જ માણ્યો. આ અંગે વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજાએ સુધરાઇના સત્તાધીશોને આડે હાથ લેતાં જણાવ્યું કે, આ જર્જરિત અને જોખમી ટાંકા અંગે વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો બાદ માંડ-માંડ  ભુજમાં ત્રણ ટાંકા બનાવવાનું નક્કી કરાયું તે પૈકી એક શિવકૃપા ટાંકા નજીક નવા ટાંકાનો ધારાસભ્યના જન્મદિને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. આ તકે પણ ટાંકાનું કામ માત્ર કાગળ પર ન રહી જાય તેવી જાહેરમાં ટકોર કરવા છતાં આઠેક માસ વિત્યા પણ કામ શરૂ ન કરાયું.  ભરઊનાળે લોકોને પાણીની સખત જરૂર રહે છે ત્યારે જ સુધરાઇના શાસકો નિષ્ફળ નિવડયા છે ત્યારે નૈતિક જવાબદારી સમજી રાજીનામું દેવું જોઇએ તેમ શ્રી જાડેજાએ ઉમેર્યું હતું. ટાંકાની સ્લેબ તૂટયા બાદ પણ કલાકો સુધી સુધરાઇના સત્તાધીશો સ્થળ પર પહોંચ્યા નહોતા. અલબત્ત, મોડેકથી જોખમી સ્લેબ દૂર કરવાની કામગીરી સુધરાઇના સ્ટાફે હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂંકપ બાદ ઓવરહેડ ટાંકો તૂટયો હતો તે સમયે પણ ભારે ચકચાર મચી હતી અને એ મુદ્દે ટાંકો બનાવનાર કંપની સામે ફોજદારી ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી, પરંતુ તેની તપાસ ક્યાં પહોંચી તે પણ તપાસનો વિષય છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer