શુક્રવાર શાંતિથી પસાર : 10 રિપોર્ટ બાકી

શુક્રવાર શાંતિથી પસાર : 10 રિપોર્ટ બાકી
ભુજ, તા. 5 : કચ્છમાં કોરોના પોઝિટિવના કેસ ફરી પાછા શરૂ થયા બાદ શુક્રવાર તા. 5ના કોઈ નવો પોઝિટિવ કેસ ન નોંધાતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રાજ્યકક્ષાએ જિલ્લામાં 100થી 125 શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવાના કરેલા ઓર્ડરને પગલે કોવિડ-19ના પોઝિટિવ કેસ વધવાની ભીતિ વચ્ચે આજનો દિવસ શાંતિથી પસાર થતાં અનલોકડાઉનમાં લોકોને થોડી શાંતિ રહેશે. જોકે અત્યાર સુધીના કુલ 83 પોઝિટિવ કેસોમાંથી 18 એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ પાંચ મૃત્યુ કોરોના પોઝિટિવના નોંધાયા તેમાં એકને ગાયનેક કારણોસર માનવામાં આવે છે. કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર બાદ 60 દર્દી સ્વસ્થ થયા છે તેવું ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે. નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 અંગે કચ્છની જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 30 કન્ટેઈનમેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 36,143 લોકોનો સર્વે કરાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 126 શંકાસ્પદ કેસોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. 10 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોની ક્વોરેન્ટાઈન અંગેની વિગતોમાં હાલમાં 1,721 જેટલા લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ છે. હાલમાં 3501 લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઈન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 345 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ અને અત્યાર સુધી 721 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. કચ્છની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 26 દર્દી દાખલ છે અને 210 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer