કોરોનાના કપરા કાળમાં સવા લાખ દર્દીની સારવાર બિરદાવાઈ

કોરોનાના કપરા કાળમાં સવા લાખ દર્દીની સારવાર બિરદાવાઈ
વસંત પટેલ દ્વારા-  કેરા, (તા. ભુજ) તા.5 : ભુજ સ્થિત કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) દ્વારા લોકડાઉનના અરસામાં સવા લાખ દર્દીની સારવારનું મોટું કામ થયું છે એમ કહેતાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીર શુક્રવારે તબીબોની પીઠ થાબડવા પહોંચ્યા. આ સાથે કલેક્ટર પ્રવીણા ડી.કે.એ પણ ટ્રસ્ટ-દાતારોનો આભાર માન્યો હતો. સંસ્થાએ મેડિકલ સ્ટોર મારફત કોરોના સમયગાળામાં 53 લાખ રૂપિયાની રાહત આપી હતી.પ્રથમ લોકડાઉન જાહેર થવા સાથે જ શહેરોમાં ખાનગી પ્રેક્ટિસ મર્યાદિત થઈ હતી, તેથી 21 લાખની વસતી ધરાવતા કચ્છના મહત્તમ બિનકોવિડ દર્દીઓનું ભારણ ભુજની ટ્રસ્ટ સંચાલિત લેવા પટેલ હોસ્પિટલ પર કેન્દ્રિત થયું હતું. જોખમ લેવા સાથે આ ગાળામાં 1,21,325 દર્દીઓની સારવાર થઈ હતી, જેમાં સર્જરીઓનો સમાવેશ પણ થયો હતો. દરેક વિભાગ પૂર્ણકાલીન ચાલુ રખાયા હતા. 2822 દર્દીઓને ક્રિટીકલ સારવાર પૂરી પડાઈ હતી. કેન્સર, કિડની, ફેફસાં, પથરીજન્ય સર્જરીઓ ઉપરાંત ગાયનેક વિભાગમાં પ્રસૂતિ અને સારવાર થઈ હતી. અધુરાં માસે-ઓછા વજને જન્મેલા બાળકો માટે આશરો બનેલી આ હોસ્પિટલમાં 1550 ડાયાલિસીસ, 65 હજારથી વધુ પેથોલોજી પરીક્ષણ, 816 એન્ડોસ્કોપી, 6 હજારથી વધુ એક્સ-રે, પાંચ હજાર સોનોગ્રાફી, 1460 સીટી સ્કેન, 1985 એમ.આર.આઈ., 894 ઓપરેશન તથા 3613 દર્દીને ઈમરજન્સી સારવાર અપાઈ હતી. સંચાલક મંડળ અને તબીબોની સૂઝબૂઝથી કટોકટીનો સમય સચવાઈ ગયો હતો. આ કાર્યની નોંધ લેવા પહોંચેલા વાસણભાઈએ પડદા પાછળના કોરોના વોરિયર્સને મુખ્યમંત્રી વતી બિરદાવ્યા હતા. તેમણે આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સંદેશો પાઠવતાં રાજ્ય સરકારને મદદ કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. શ્રી આહીરે કચ્છી લેઉવા પટેલ સમાજની સાર્વજનિક સેવાઓની સગૌરવ નોંધ લેતાં દિલેર દાતાઓને યશાધિકારી ગણાવ્યા હતા. કચ્છ જિલ્લાની નિર્માણાધીન સૌ પ્રથમ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.સમગ્ર કચ્છની આરોગ્ય સેવાઓમાં સંસ્થાકીય રીતે અગ્રીમ લેવા પટેલ હોસ્પિટલ હોવાનું કહેતાં સમાહર્તાએ કોરોના સામે લડવાની રણનીતિમાં એમ.એમ.પી.જે. અમને ઘણી ઉપયોગી થઈ છે. તંત્ર આપની સેવાઓને બિરદાવે છે તેવું કહેતાં કલેક્ટર પ્રવીણા ડી.કે.એ રાહતદરે સારી સારવાર આપવાની નીતિને વખાણી હતી. રાજ્યમંત્રી-કલેક્ટર સાથે અધિક કલેક્ટર મનીષ ગુરવાણી, મામલતદાર સહિતનાએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓની પૃચ્છા કરી હતી. પ્રારંભે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા, દાતા કે. કે. પટેલ, મેડિકલ ડાયરેક્ટર મહાદેવ પટેલ, એજ્યુ. મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, મંત્રી કેસરાભાઈ પીંડોરિયા, ઉપપ્રમુખ ડો. જે. કે. દબાસિયાએ સૌને આવકાર્યા હતા. તમામ તબીબોનો પરિચય કરાવ્યો હતો. પૂર્વ અધ્યક્ષ અરજણભાઈ પીંડોરિયા, સમાજમંત્રી ગોપાલભાઈ વેકરિયા, રામજી સેંઘાણી, મનજી, પીંડોરિયા, ગોવિંદ હાલાઈ, કરસનભાઈ મેપાણી, રવજી કેરાઈ, દાતા પરિવારના પુત્ર પ્રવીણ પીંડોરિયા, ટ્રસ્ટી પુરુષોત્તમ હીરાણી, મનજી વરસાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતનું સંકલન કચ્છી લેવા પટેલ સંદેશના તંત્રી વસંત પટેલે કર્યું હતું. મુશ્કેલીના સમયમાં થયેલા અનુભવો તબીબોએ વર્ણવ્યા હતા. પી.આર.ઓ. ડો. પ્રભવ અંતાણી, ચિંતન મહેતા સહયોગી રહ્યા હતા. ત્રણેય પાંખના સભ્યો પૈકીના હાજર રહ્યા હતા. કૌશલ્યાબેન માધાપરિયાએ શુભેચ્છાઓ આપી હતી.  
    તમામ યશ દાતાઓને : ગોરસિયા  સેવા અમારો મંત્ર છે જે કપરાકાળમાં રાષ્ટ્રના ચરણે સમર્પિત છે. રાજ્ય સરકારે લીધેલી નોંધના પ્રતિભાવમાં હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ કહ્યું, તમામ યશ દાતાઓને છે. અમારા દેશ-વિદેશના સેવાભાવી દાતાઓ અમારી શક્તિ છે. તેમણે હસમુખભાઈ ભુડિયાની નોંધ લેતાં કેશવલાલભાઈ ભુડિયા, કાનજીભાઈ ભુડિયા, વર્તમાન સમયે સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલના મોટા દાતા કે. કે. પટેલ (સામત્રા-નાઈરોબી), આર. ડી. વરસાણી, લક્ષ્મણભાઈ રાઘવાણી, શામજીભાઈ દબાસિયા (જે-સામ), શશિકાંતભાઈ વેકરિયા, હરિભાઈ હાલાઈ, રમત-ગમતમાં મુરજીભરાઈ પીંડોરિયા, વિશ્રામભાઈ જાદવા (વિજય) વરસાણી, રવજી ગોવિંદ વરસાણી (મોશી), નારાણપરના ધનજીભાઈ કરસન વરસાણી `દરબાર', અશોકભાઈ વરસાણી, કલ્યાણભાઈ રવજી વેકરિયા, ગિરધરભાઈ પીંડોરિયા, કેશરાભાઈ ભુડિયા સહિત સર્વે દાતાઓની નામજોગ નોંધ લીધી હતી. તેમણે સંસ્થાકીય રીતે ભુજ સ્વામિનારાયણ મંદિર તેમજ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મોટા સહયોગનો ઉલ્લેખ કરતાં કહ્યું, દાતાઓની યાદી ખૂબ લાંબી છે. સૌ યશના અધિકારી છે. તેમણે યુ.કે. કોમ્યુનિટી, નાઈરોબી, મોમ્બાસા સમાજોના સાથની પણ નોંધ લીધી હતી. તેમણે યુવા-નવા દાતાઓને પ્રેરક લેખાવ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer