કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 15 વર્ષે ફરી ટેકાના ભાવે કપાસ ખરીદવા માંડવી આવ્યું

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 15 વર્ષે ફરી ટેકાના ભાવે કપાસ ખરીદવા માંડવી આવ્યું
દેવેન્દ્ર વ્યાસ દ્વારા-  માંડવી, તા. 5 (પ્રતિનિધિ દ્વારા) : દોઢ દાયકા બાદ અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી સેન્ટરનું ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે મંગલાચરણ કરાવાતાં કૃષિકારોમાં આનંદ છવાયો છે. 90 જેટલા મહેસૂલી ગામો ધરાવતા આ તાલુકામાં 82,200 હેક્ટર એકંદર ખેડવાણ વિસ્તાર પૈકી 6350 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે. સી.સી.આઈ.ના પેરામીટર પ્રમાણે પ્રથમ રાઉન્ડમાં કપાસ ઉત્પાદક પાસેથી 90 મણ (ત્રણ હજાર છસો કિલોગ્રામ) કપાસ ખરીદવામાં આવશે. દુકાળ વર્ષ અને અધિક માસ જેવી કપરી આર્થિક પરિસ્થિતિમાં ભીંસાતા કૃષિકારને રૂપિયા બે હજાર બસો ટેકાના ભાવ નસીબ થતાં પ્રતિ મણ પાંચેકસો રૂપિયા કરતાં વધારે ફાયદો થશે એવો દાવો કરાયો હતો. પરિણામલક્ષી સફળતા બદલ ધારાસભ્ય શ્રી જાડેજાનું એ.પી.એમ.સી. અને ભારતીય કિસાન સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. `મીં' અને મોંઘવારીનો બેવડો માર ખાતા કૃષિ ઉત્પાદકો બે છેડા ભેળા કરવા પરસેવો પાડી રહ્યા હોય અને પર્યાપ્ત (પોષણક્ષમ) ભાવો મેળવવા આંખે અંધારા આવે ત્યારે ધરતીપુત્રો વૈકલ્પિક વ્યવસાયો તરફ વળવા મજબૂર બને તે સ્વાભાવિક છે. છેલ્લા દાયકાઓમાં ગામડાંઓ ઘસાતા રહ્યા છે અને શહેરો ઉભરાતા જાય છે તે વચ્ચે નોંધપાત્ર પ્રમાણમાં બાગાયત કૃષિનું ફલક વિસ્તર્યું છે. પરંપરાગત ખેત ઉત્પાદનોનું પ્રમાણ ઘટતું જાય છે. એક વેળાએ જિલ્લાભરમાં કપાસ ઉત્પાદનમાં મોખરે રહેનારા આ તાલુકામાં કોટનનું વાવેતર દસેક ટકાએ પહોંચ્યું છે. ખુલ્લી બજારમાં કપાસના ભાવ 1600-1700 મળતા હોય ત્યારે સરકારી તંત્ર દ્વારા અહીં ટેકાના ભાવે કપાસ ખરીદીની માંગ લાંબા સમયથી ઉઠતી રહી. કચ્છમાં એક માત્ર અંજારમાં સી.સી.આઈ. ખરીદ કેન્દ્ર સાથે અત્રે બીજું સેન્ટર નસીબ થતાં આનંદ પ્રસર્યો છે. અપાતી જાણકારી પ્રમાણે સી.સી.આઈ.ના પ્રતિનિધિ મહેશભાઈ બિરલાના માર્ગદર્શન હેઠળ અત્રેના કેન્દ્રમાં પ્રતિ રોજ 70થી 72 હજાર કિલોગ્રામ કપાસની ખરીદી સંભવ બનાવાઈ છે. એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રવીણભાઈ વેલાણીએ શમણાં સાકાર કરાવવા બદલ ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાની પરિણામલક્ષી રજૂઆતોના ઓવારણા લીધા હતા. શ્રી વેલાણી સાથે એ.પી.એમ.સી.ના ડાયરેક્ટરો રાજેન્દ્રસિંહજી જાડેજા, નારાણભાઈ ચૌહાણ (પટેલ) વગેરેએ આપેલી વિગતો મુજબ વીતેલા ચોવીસ કલાકમાં 450 જેટલા કપાસ ઉત્પાદક કિસાનોએ 27 હજાર મણ (10 લાખ 80 હજાર કિલોગ્રામ) વેચાણ માટે મેન્યુઅલી નામ નોંધણી કરાવી દીધી છે. એ.પી.એમ.સી.ના સેક્રેટરી પરેશકુમાર ચોપડાએ કચ્છમિત્રને આપેલી પૂરક વિગતો પ્રમાણે જે કપાસ ઉત્પાદક કિસાને સી.સી.આઈ.માં માલ વેચવો હોય તેઓએ સંસ્થામાં રૂબરૂ નોંધણી કરાવવાની રહેશે. એ બાદ ટેલિફોનિક જાણ વડે સંબંધિતને બોલાવવામાં આવશે. પ્રાપ્ત વધુ વિગતે એવી જાણકારી અપાઈ હતી કે, દોઢ દાયકા પહેલાં જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં તત્સમયના પ્રમુખ કેશુભાઈ પારસિયાએ કપાસ ખરીદી હાથ ધરી હતી. સાંપ્રત કાળને નજરે રાખી ધારાસભ્ય શ્રી જાડેજાના હસ્તે શ્રીફળ વધેરવાની સાથે વિધિપૂર્વક કેન્દ્રને કાર્યરત કરાયું હતું. આ અવસરે ચેરમેન પ્રવીણભાઈ વેલાણી સંગાથે વાઈસ ચેરમેન અલી રાજા ખોજા, ડાયરેક્ટરો ઝાલુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, નારાણભાઈ પટેલ, પરસોત્તમભાઈ સેંઘાણી, પ્રેમજીભાઈ કેરાઈ, મિતેશ મહેતા, પ્રકાશભાઈ સોમૈયા, કેશુભાઈ પારસિયા વગેરેના હાથે ધારાસભ્યનો ઋણ સ્વીકાર કરાયો હતો. જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કિશોરભાઈ વાસાણી, તાલુકા કિસાન સંઘના પ્રમુખ પુરુષોત્તમભાઈ પોકાર વગેરેએ કૃષિકારો વતી બહુમાન કર્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન પટેલ, પૂર્વ પ્રમુખ હરિભાઈ ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ વલુભાઈ સંઘાર, મોટા લાયજા ગ્રા.પં.ના પૂર્વ સરપંચ અને પ્રગતિશીલ કિસાન રમેશભાઈ ખીમજી પટેલ (પોપટભાઈ), મસ્કાના સરપંચ કીર્તિભાઈ ગોર, કલ્યાણભાઈ ગઢવી, કનુભા જાડેજા, માલતીબેન લાલન સહિત અગ્રણીઓ જોડાયા હતા. આયોજન સેક્રેટરી પરેશકુમાર ચોપડાએ સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer