રાપરમાં પાણીના સંગ્રહ માટે સુધરાઈ અઢી કરોડના ખર્ચે સ્ટોરેજ ટેન્ક બનાવશે

રાપરમાં પાણીના સંગ્રહ માટે સુધરાઈ અઢી કરોડના ખર્ચે સ્ટોરેજ ટેન્ક બનાવશે
રાપર, તા.5 :આજે અહીં સુધરાઈની કારોબારી સમિતિની બેઠકમાં પાણીના કાયમી ઉકેલ માટે 2.50 કરોડના ખર્ચે સ્ટોરેજ ટેન્ક બનાવવા નિર્ણય લેવાયો છે. સુધરાઈના કારોબારી ચેરમેન કાનીબેન પીરાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મિટિંગમાં ચાલુ વર્ષે નર્મદા કેનાલ લાંબો સમય બંધ રહેતાં સર્જાયેલી મુશ્કેલીના કારણે સ્ટોરેજ ક્ષમતા વધારવાનો નિર્ણય લેવાયો હતો. નંદાસર-નર્મદા કેનાલ નજીક રૂપિયા 2 કરોડના ખર્ચે સ્ટોરેજ-તળાવ બનાવવાનો તેમજ હાલના રાપર શહેરમાં નગાસર તળાવની સ્ટોરેજ ક્ષમતા વધારવા ઊંડું ઉતારવા જાળી  ફેન્સિંગ સહિતની કામગીરી કરવા રૂપિયા 50 લાખ મંજૂર કરાયા હતા. ખાસ કરીને 2019-20ની યુ.ડી.પી. 88ની તમામ ગ્રાન્ટ રાપર શહેરના પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે મંજૂર કરવામાં આવી છે. કારોબારી બેઠકમાં 2018/19ના 2 કરોડ 50 લાખના તમામ કામોના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે. જેના કામો ઝડપથી શરૂ કરવા વર્કઓર્ડર આપવામાં આવશે. જે કામો મંજૂર થયા હતાં. વરસાદી પાણીનો  નિકાલ, સી.સી. રોડ, પેવર બ્લોકના રસ્તાના કામો, જેટિંગ મશીન, પંપ સેટ, અયોધ્યાપુરી સંરક્ષણ દિવાલના કામો શરૂ થશે. હાલના મિટિંગ હોલની ક્ષમતા વધારવા રૂપિયા 10 લાખ મંજૂર કરાયા છે.  હોલ શાક માર્કેટના વેપારીઓની રજૂઆતના પગલે હંગામી ધોરણે નક્ષત્ર વનની જગ્યાએ શાક માર્કેટ હોલસેલ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.આ અંગે શાસકપક્ષના નેતા બળવંતભાઈ ઠક્કરે કારોબારી સમિતિની બેઠક પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન સિયારિયા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, પા.પૂ. ચેરમેન હેતલબેન માલી સાથે રાપર શહેરના પાણીના સ્ટોરજના કાયમી ઉકેલ માટે 19-20ની વર્ષની 2 કરોડ 50 લાખની ગ્રાન્ટ સ્ટોરેજ બનાવવામાં વાપરવા સૂચન કર્યા હતા. બેઠકમાં મૂળજીભાઈ પરમાર, શૈલેશભાઈ શાહ, ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા, ઈજનેર દિનેશભાઈ સોલંકી, ટેક્સ ઈન્સ્પેક્ટર મહેશભાઈ સુથાર, કિશોરભાઈ ઠક્કર, અરવિંદગિરિ ગોસ્વામી હાજર રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ મુકેશભાઈ ઠક્કર, બાર એસો.ના પ્રમુખ રાજેશભાઈ ચંદે, શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની, અગ્રણી ઉદ્યોગપતિ અંબાવીભાઈ પટેલે રાપર નગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer