ભુજની તબીબ યુવતી અમેરિકામાં કરે છે કોરોના સંક્રમિતોની શુશ્રૂષા

ભુજની તબીબ યુવતી અમેરિકામાં કરે છે કોરોના સંક્રમિતોની શુશ્રૂષા
ભુજ, તા. 5 : આખું વિશ્વ કાળમુખા કોરોના વાયરસ સામે લડી રહ્યું છે ત્યારે સીમાના સંત્રીઓ, પોલીસ જવાનોની સાથોસાથ તબીબોને પણ ભારતીયોએ તાળી, થાળી વગાડીને કોરોના વોરિયરના રૂપમાં વધાવી લીધા છે. મૂળ કચ્છની આવી જ કોરોના વોરિયર યુવતી ડો.રૈના શાહ રાત-દિવસ આ મહામારીનો મુકાબલો કરી રહી છે. દુનિયામાં ઘાતક વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં ડો.રૈના સંક્રમિતોની સારવાર સતત સમર્પણ ભાવ સાથે કરી રહી છે. ભુજના અનુપચંદ જીવરાજ શાહની પૌત્રી અને મુકેશભાઈની પુત્રી ડો. રૈના ધીરજભાઇ અંજારવાળાની દોહિત્રી થાય. ઘણા દિવસથી પોતાના ઘરમાં પણ આવી શકી નથી. કયારેક જ ઘેર આવે ત્યારે પણ રૈના તેની કારમાં જ બેસી રહે છે, જેથી પરિવારના સભ્યો તેને જોઈ શકે, વાતચીત કરી શકે. વાસંતીબેન સુરેશભાઇ શાહે કહ્યું હતું કે, રૈના નાનપણથી સેવાભાવી સ્વભાવ ધરાવે છે. કેલિફોર્નિયામાં રાત-દિવસનો ભેદ જોયા વિના 24 કલાક કોરોના પીડિતોની સારવાર માટે સમર્પિત ડો.રૈનાએ કચ્છનું ગૌરવ વધાર્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer