રાપર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંથી પાણી ભરાયાં

રાપર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંથી પાણી ભરાયાં
રાપર, તા. 5 : નિસર્ગ વાવાઝોડાંની અસરતળે કચ્છમાં બીજા દિવસે તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં સાથે ખેતરોમાં પાણી ભરાયાં હતાં તો અનેક જગ્યાએ ખેતીને નુકસાન, વૃક્ષો-છાપરા ઉડવાં, વીજ થાંભલા પડી જવા સહિતના બનાવો બન્યા હતા. રાપર સહિત તાલુકામાં બેલા, મૌઆણા, બાલાસર, જાટાવાડા, શિરાનીવાંઢ, કલ્યાપર, નંદાસર, રવ, સુવઈ, ફતેગઢ, ગેડી, કિડિયાનગર, ભીમાસર, આડેસર, પ્રાગપર, સલારી, નિલપર, ત્રંબો, રામવાવ સહિતના ગામોમાં વરસાદના ઝાપટાં પડ્યાં હતાં, જેના લીધે અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ગાજવીજ સાથેના વરસાદથી અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડી હતી તો અનેક ગામોમાં વીજપોલ પડવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદના જોરદાર ઝાપટાંથી તાલુકા મથકે મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યાં હતાં. ઉપરાંત ખડીર વિસ્તારમાં આવેલા કલ્યાણપર રતનપર, અમરાપર સહિતના રણ વિસ્તારમાં આવેલા ગામોમાં વાવાઝોડાંની અસર વચ્ચે વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદના લીધે ઘાસચારાને નુકસાન થયું છે તો અનેક સ્થળોએ વૃક્ષો અને છાપરા ઉડયાના અહેવાલો મળી રહ્યા છે. દિવસભરના ઉકળાટ વચ્ચે વરસાદ થતાં ગરમીથી લોકોને રાહત થઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer