કોરોના-લોકડાઉન વચ્ચે ઈવેન્ટ ઉદ્યોગ મૃતપ્રાય

કોરોના-લોકડાઉન વચ્ચે ઈવેન્ટ ઉદ્યોગ મૃતપ્રાય
ભુજ, તા. 4 : સમગ્ર દેશના અર્થતંત્રમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સિંહફાળો છે. ધાર્મિક, રાજકીય કે સામાજિક કોઈ પણ પ્રસંગ કે કાર્યક્રમનું આયોજન ઈવેન્ટ એજન્સીઓ વિના અશક્ય છે. કચ્છ સહિત રાજ્યના લાખો પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હાલના સંજોગોમાં જાહેર થયેલી માર્ગદર્શિકા મુજબ લગ્નસરા સહિતના પ્રસંગોમાં માત્ર 50 જણ સુધીની ઉપસ્થિતિની જ પરવાનગી આપવામાં આવે છે જે આ ઉદ્યોગ માટે વજ્રઘાત સમાન છે અને સંપૂર્ણ ઉદ્યોગ અત્યારે મૃતપ્રાય અવસ્થામાં છે.પશ્ચિમ કચ્છ મંડપ હાયરર્સ એન્ડ ઈલેક્ટ્રીકલ એસોસીએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કેટરિંગ એસોસીએશન સહિતના અન્ય ઈવેન્ટ એસોસીએશનોને સાથે રાખીને આ ઉદ્યોગને પુન:જીવિત કરવા માટે આગામી દિવસોમાં સમારંભ સ્થળના વિસ્તાર દીઠ પૂરતું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ મુજબ એરિયાબેઝ પરવાનગી આપવા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં આમ જણાવાયું હતું. વિવિધ એસોસીએશનોની માંગ મુજબ જે-તે સમાજવાડી, મેરેજ હોલ કે પાર્ટી પ્લોટ સહિતના ખુલ્લા મેદાનોના કુલ ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને તેમના વિસ્તાર દીઠ જો સંખ્યાની છૂટછાટ આપવામાં આવે તો આગામી દિવસોમાં આ ઉદ્યોગ પર નભતા લાખો પરિવારોનું જતન થઈ શકે એમ છે. એસોસીએશનના પ્રમુખ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક પ્રસંગમાં મુખ્યત્વે મંડપ ડેકોરેશન, લાઈટિંગ ડેકોરેશન, કેટરિંગ, ઓરકેસ્ટ્રા, ફોટો-વીડિયોગ્રાફર, સિક્યોરિટી સર્વિસ, રિયલ અને આર્ટિફિશિયલ ફ્લાવર્સ, ઘોડા અને બગીઓ તેમજ મેનપાવર સપ્લાય જેવા વ્યવસાયના અનેક ધંધાર્થીઓ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોય છે. સાથોસાથ હાલની સંખ્યામાં જો એરિયા મુજબ નોંધપાત્ર વધારો કરવામાં આવે તો આ ક્ષેત્ર સાથે પરોક્ષ રીતે જોડાયેલા ધંધાર્થીઓ જેવા કે સોના-ચાંદી ઝવેરાતના વેપારીઓ, કર્મકાંડી ભૂદેવો, કાપડ ઉદ્યોગના વેપારીઓ, ગ્રિટિંગ્સ કાર્ડના વેપારીઓ સહિત અનેક ક્ષેત્રના ધંધાર્થીઓને પણ પુન: ઝડપથી બેઠા થવાની તક મળશે. રજૂઆત કરતી વેળાએ એસો.ના મહામંત્રી મનીષભાઈ શાહ (પદ્માવતી ડેકોરેશન), સાત્ત્વિકદાન ગઢવી (હોટલ વિરામ), ધર્મેશભાઈ ઠક્કર (જિજ્ઞા કેટરિંગ), જેકીભાઈ ઠક્કર (સ્માર્ટ ક્રીન), દીપકભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી (નંદિની કેટરિંગ) સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer