લાયજાની નદીમાં રેતીચોરીનો પર્દાફાશ હાથવેંતે : તપાસ સાથે પંચનામું કરાયું

લાયજાની નદીમાં રેતીચોરીનો પર્દાફાશ હાથવેંતે : તપાસ સાથે પંચનામું કરાયું
ભુજ, તા. 5 : માંડવી તાલુકાના મોટા લાયજા ગામની નદીમાંથી મંજૂરી વગર રેતીની ચોરીનું મોટું કારસ્તાન સત્તાધીશોના હાથવેંતમાં હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું છે. પોલીસદળની રેન્જ કચેરીના વડા આઇ.જી. સમક્ષ ભુજના ધારાશાત્રી દ્વારા આ મામલે થયેલી ફરિયાદ-રજૂઆત બાદ તેમની સૂચનાથી ખાણખનિજ ખાતાએ સ્થળ ઉપર ધસી જઇ તપાસ સાથે પંચનામાં સહિતની કાર્યવાહી કરી હતી. આ પ્રકરણને હવે કાયદાકીય સ્વરૂપ અપાય તેવું બહાર આવ્યું છે. મૂળ માંડવી તાલુકાના પાંચોટિયા ગામના વતની અને હાલે ભુજ રહેતા વ્યવસાયે ધારાશાત્રી મગનભાઇ રાજીયા ગઢવીને જમીન વિવાદના મામલે ભાડા ગામના સરપંચ એવા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ આ અંગે ફોજદારી નોંધાયા પછી રેતીચોરીનો આ મામલો બહાર આવ્યો છે. ધારાશાત્રી શ્રી ગઢવીએ આઇ.જી. સુભાષ ત્રિવેદી સમક્ષ તેમના કેસની ચર્ચા-રજૂઆત દરમ્યાન મોટાલાયજા ગામની નદીમાંથી રેતીની ચોરીની પણ ફરિયાદ કરી હતી. આ પછી આઇ.જી.એ તાત્કાલિક આદેશ કરી ખાણખનિજ ખાતાની ટુકડીને સ્થાનિકે રવાના કરાવી હતી. લાયજા દોડી ગયેલી ટુકડીએ જાતતપાસ સાથે પંચનામા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ તપાસમાં નદીના મોટા વિસ્તારમાંથી રેતી ઉપડયાના ચિન્હો જોવા મળ્યા હતા. જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરાઇ હતી. દરમ્યાન રેતીચોરીના આ કેસમાં પણ ભાડાના સરપંચ અને મોટા લાયજાની એક વ્યક્તિની સંડોવણી હોવાની વિગતો ફરિયાદમાં આઇ.જી.ને અપાઇ હતી. તો આના કારણે પોતાને ખતરો હોવાનું જણાવી એડવોકેટ શ્રી ગઢવીએ પોલીસ રક્ષણની પણ માગણી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer