ગાંધીધામમાં દબાણોની નીચેથી પાણીની લાઇન !

ગાંધીધામમાં દબાણોની નીચેથી પાણીની લાઇન !
ગાંધીધામ, તા. 5 : આ પંચરંગી શહેરમાં દબાણો મોટી સમસ્યા છે. તેમાંય વરસાદી નાળા, પાણીની લાઇન, ગટરની લાઇન ઉપર થઇ ગયેલા દબાણ હટાવવામાં નગરપાલિકાનું તંત્ર પાંગળું પૂરવાર થયું છે ત્યાં હવે નવી પાણીની લાઇન દબાણ તોડીને બેસાડવાના બદલે દબાણ યથાવત રાખી તેના નીચેથી બેસાડવાનું પાલિકાએ શરૂ કરતાં ઊલટી ગંગા વહી રહી છે. શહેરના અપનાનગર વિસ્તારમાં એકાદ-બે સ્થળે લોકોના દબાણ બચાવવા પાણીની લાઇન સર્પાકાર - આડી-અવળી બિછાવાયા પછી તે બાબતનો અખબારોમાં ઉલ્લેખ થતાં હવે બાકીના ભાગમાં પાણીની લાઇનો દબાણની નીચેથી બેસાડાઇ રહી છે. ઘરોની બહાર ઠેઠ ડામર રોડ સુધી કરી દેવાયેલા ઓટલા તોડવાના બદલે આ ઓટલાની નીચેથી લાઇનો પસાર કરાઇ રહી છે. જેથી વગદારોને ખોટો ખર્ચો ન થાય ! ટૂંકમાં આ શહેરની દબાણ પ્રવૃત્તિને નગરપાલિકા જ પાળતી પોષતી હોવાની સ્પષ્ટ છાપ પડે છે. બહુ બૂમાબૂમ થાય ત્યારે બે-ચાર કેબિનો હટાવીને કે બે-ચાર સ્લેબ તોડીને કાર્યવાહી દેખાડયા પછી મોટેભાગે આ દબાણ પુન: થઇ જતાં જોવા મળે છે. નગરપાલિકાના શાસકો કે અધિકારીઓને દબાણ હટાવવામાં ખાસ કોઇ રસ ન હોવાનું ફલિત થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer