કચ્છમાં આજથી લાંબા અંતરની ખાનગી બસોની સેવા શરૂ

ભુજ, તા. 5 : વૈશ્વિક મહામારી કોરોના થકી થંભી ગયેલા ખાનગી બસોના પૈડાં અનલોક-1માં મળેલી છૂટછાટો બાદ આવતીકાલ શનિવારથી ફરી શરૂ થઇ રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ખાતે ખાનગી બસોના એસોસિયેશનની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ શનિવારથી ભુજ-અમદાવાદ અને ભુજ-જામનગરની ખાનગી બસ સેવાનો પ્રારંભ થશે જેમાં સરકારની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓનું ગનથી ચેકિંગ કરી બસમાં બેસાડાશે. ભુજના પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જગદીશભાઇ જેઠીએ આપેલી વિગતો મુજબ તેમના દ્વારા ભુજથી અમદાવાદ અને જામનગરની સેવા શરૂ કરાશે, જેમાં સવારે 8 વાગ્યાથી સેવા શરૂ કરાશે. જેમાં 36ની સ્લીપિંગ સીટમાં 24 પ્રવાસીને બેસાડવામાં આવશે. બીજી તરફ ઓનલાઇન પ્રાપ્ત વિગતો મુજબ ભુજ સહજાનંદ ટ્રાવેલ્સ દ્વારા પણ બસ સેવા શરૂ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, અન્ય ખાનગી બસો અંગે વિગતો પ્રાપ્ત થઇ શકી ન હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer