સંગઠનની સતત રજૂઆતને પગલે વીજ તંત્રમાં થયેલી ભરતી

અંજાર, તા. 5 : કચ્છમાં પી.જી.વી.સી.એલ. તથા જેટકોમાં લાંબા સમયથી ખાલી પડેલી સ્ટાફની ભરતી કરવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સતત પ્રયાસને પગલે મોટી ભરતીના હુકમ કરવામાં આવ્યા છે. રાજ્યમંત્રી અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ વાસણભાઈ આહીરને કચ્છને વર્ષોથી થઈ રહેલા અન્યાય બાબતે ન્યાય મળે અને કચ્છના ભૌગોલિક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈ સ્ટાફ ફાળવવા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. કચ્છની ભૌગોલિક તેમજ વિકટ કપરી પરિસ્થિતિ, ખૂબ જ લાંબો વિસ્તાર, દરિયાઈ વિસ્તાર, સફેદ રણના કારણે ક્ષારવાળો વિસ્તાર વગેરે પરિબળોના કારણે લાંબી એલ.ટી. લાઈનો હોઈ ફોલ્ટ રિપેર કરવામાં ખૂબ જ સમય નીકળી જતો હતો. ક્ષારવાળી અને પોચી જમીનના કારણે વીજ થાંભલાઓ વારંવાર પડી જવાના લીધે ઊભી કરેલી લાઈનનું આયુષ્ય ઘટી જાય છે, જેથી વારંવાર ફોલ્ટ ઊભા થાય છે. જેથી ગ્રાહકોને વીજવિક્ષેપના કારણે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ગ્રાહકોના રોષાનો ભોગ નાનો કર્મચારી સતત બનતા હોય છે. હાલની પરિસ્થિતિમાં ઝડપી ઔદ્યોગિકીકરણના કારણે જિલ્લા બહારના લોકોનું પલાયન કચ્છમાં રોજગારી મેળવવા માટે થઈ રહ્યું છે. તેના ઉકેલ માટે જી.એસ.ઓ. 4 મુજબ સ્ટાફ ફાળવવા માંગ કરાઈ હતી. ફળસ્વરૂપે કચ્છ જિલ્લાના ગેટકો અને પીજીવીસીએલના ત્રણ સર્કલોમાં 300થી 350 નવા ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની (હેલ્પર)ના ભરતીના ઓર્ડર થયા છે. અંજાર સર્કલની ટીમમાં ઉપપ્રમુખ ગોપાલભાઈ માતા, સર્કલ સેક્રેટરી વિક્રમભાઈ આહીર, રાજુભાઈ શાહ, સી.ટી. ગોહિલ, બી.કે. મહેશ્વરી, ભાવસારભાઈ, મહાવીરસિંહ જાડેજા તેમજ રણછોડભાઈ છાંગા દ્વારા સતત રજૂઆતો કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer