વીસ લાખની વ્યક્તિ લોનના મામલે માધાપરવાસી સાથે 48,500ની છેતરપિંડી

ભુજ, તા. 5 : તાલુકાનાં માધાપર ગામે રહેતા મૂળ અમદાવાદના વતની અને ભુજ જી.આઇ.ડી.સી. ખાતે કાર્યરત હિન્દુસ્તાન લિવર નામની કંપનીમાં એકાઉન્ટ એક્ઝિકયુટિવ તરીકે ફરજ બજાવતા ભાર્ગવ જગદીશચન્દ્ર શુકલ સાથે રૂા. 20 લાખની લોન આપવાના નામે રૂા. 48,500ની રકમનો વિશ્વાસઘાત કરાયાનો ગુનો પોલીસમાં દાખલ કરાવાયો છે. માધાપરની હદમાં આવતી એન.આર.આઇ. કોલોની ખાતે રહેતા શ્રી શુકલએ તેમની સાથે થયેલી આ ઉચાપત બદલ આજે અત્રેના બી- ડિવિઝન પોલીસ મથકમાં પોતાને સુંદરમ ફાઇનાન્સ દિલ્હીના બતાવનારા વીરેન્દ્ર શર્મા નામની વ્યકિત સામે મોબાઇલ ફોન નંબર સહિતની વિગતો સાથે ગુનો દાખલ કરાવ્યો હતો. પોતાના અમદાવાદ ખાતે આવેલા મકાન માટે લીધેલી લોન ભરપાઇ કરી બંધ કરાવવા માટે શ્રી શુકલને જરૂરત હોવાથી તેમણે ભુજમાં સુંદરમ ફાઇનાન્સ કંપનીનો પર્સનલ લોન માટે સંપર્ક કર્યો હતો. કંપનીએ વ્યક્તિગત લોન ન આપતા હોવાનું કહ્યા બાદ તેમને વીરેન્દ્ર શર્માનો ફોન આવ્યો હતો અને લોન આપવાની વાત કરી જુદાજુદા તબક્કે પ્રોસેસિંગ સહિતના નામે રૂા. 48,500 ભરાવી લોન ન આપી છેતરપિંડી કરાઇ હતી, તેવું ફરિયાદમાં લખાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer