ખાતમુહૂર્ત થયેલા નવા ટાંકાની જમીન વન વિભાગની હોતાં કામ ઘોંચમાં

ભુજ, તા. 5 : શિવકૃપાનગર ખાતે નવા ટાંકાનું આઠેક માસ પહેલાં ધારાસભ્યના જન્મદિને ખાતમુહૂર્ત કરાયું હતું અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ પરંતુ એ જમીન વન વિભાગ હસ્તક આવતી હોવાથી ટાંકાનું કામ ઘોંચમાં પડયું છે અને હવે ગાંધીનગર ખાતે ફાઇલ મંજૂરીમાં હોવાનું જાણવા મળ્યું હતું.  વારંવાર ધ્યાન દોરવા છતાં ગંભીરતા ધ્યાને ન લેવાતાં અંતે આજે સવારે ભુજમાં શિવકૃપા ટાંકાની સ્લેબ ધ્વસ્ત થઇ હતી અને પાંચ વોર્ડમાં પાણી વિતરણ સામે સવાલો સર્જાયા હતા. સંભવત: ગત ડિસેમ્બર માસમાં ધારાસભ્ય નીમાબેન આચાર્યના જન્મદિને શિવકૃપા ટાંકા નજીક નવા ટાંકાનું સુધરાઇ દ્વારા દબદબાભેર ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજી લોકોને આશા જગાડી હતી પરંતુ ટાંકાનું કામ ઘોંચમાં પડતાં શહેરીજનોની આશા ઠગારી નીવડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નવો ટાંકો જ્યાં બનવાનો છે તે જમીન વન વિભાગ હસ્તક હોતાં હવે કામ મંજૂરીની પળોજણમાં પડયું છે. સત્તાપક્ષના સંકલનના અભાવે એ ફાઇલ ગાંધીનગર ખાતે મંજૂરીની રાહમાં પડી હોવાનું અને ક્યારે કામ શરૂ થશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી તેવું સૂત્રોએ જણાવ્યું હતું..   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer