લોકડાઉન થકી આયાત-નિકાસકારોને કમરતોડ ફટકો

અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા-  મુંદરા, તા. 5 : અત્રેના આયાત નિકાસકારો કોવિડ-19ની મહામારીના કારણે લોકડાઉનમાં મોટો આર્થિક ફટકો પડયો છે.જાણવા મળતી વિગતો અનુસાર દેશમાં ડયૂટી વસૂલાતમાં મુંબઈ પછી બીજું સ્થાન ધરાવતા મુંદરા પોર્ટમાં લોકડાઉન દરમ્યાન આયાતી અને નિકાસી માલના જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ નહીં કરતાં તેના કારણે સી.એફ.એસ.નો ડિટેન્સન્સ, ડેમરેજ ચાર્જ શિપિંગ લાઈન ડિટેન્સન્સ ચાર્જ તેમજ કસ્ટમ લેઈટ બિલ ઓફ એન્ટ્રી ફાઈલ ચાર્જ વગેરે મળી અન્ય ચાર્જનો મોટાભાગના આયાત-નિકાસકારોને કમરતોડ ફટકો પડયો છે.સમયસર તેઓનો માલ ફેક્ટરીએ ન પહોંચતાં અને મજૂરો પણ પલાયન થઈ જતાં `દુષ્કાળમાં અધિક માસ' જેવી સ્થિતિ સર્જાઈ છે અને નિકાસી માલના કન્ટેઈનરો પોર્ટ ઉપર પડયા રહેતા કાર્ગોની ગુણવત્તા ન જળવાતાં ઘણાએ માલને પરત મંગાવ્યો હતો અને જેમણે કાર્ગો મોકલ્યો એ પણ વિદેશી વેપારીઓને માલ યોગ્ય નથી તેવું જણાવીને કિંમત ઓછી લો નહીંતર માલ પરત મોકલીએ છીએ અને તેમાંના મોટા ભાગે ફૂડ કાર્ગો પરત આવી રહ્યો છે. અહીંના બંદર સાથે સંકળાયેલા આયાત-નિકાસકારોએ `કચ્છમિત્ર'ને જણાવ્યું કે, અમને સૌથી વધારે માલ શિપિંગ લાઈન અને સી.એફ.એસ. દ્વારા વસૂલાયેલા ડિટેન્સન્સ, ડેમરેજ ચાર્જના કારણે પણ છે. અને ઓછામાં વધારે હોય એમ અહીંના જામનગર સ્થિત અને હાલના મુંદરા કંડલાનો વધારાનો હવાલો સંભાળતાં કમિશનર એમ. કે. શ્રીવાસ્તવે તા. 18-5ના લેટ બિલ ઓફ એન્ટ્રી, ફાઈલ ચાર્જ પરત ખેંચી લેતાં આયાતકારોને બેવડો આર્થિક ફટકો પડયો છે. તેમણે એમ જણાવ્યું હતું સમર્ગ ભારતમાં સમગ્ર લોકડાઉન દરમ્યાન છેક તા. 30-4-2020 સુધી લેટ ચાર્જ બાદ કરી આપવામાં આવ્યો પણ મુંદરામાં 18-5-2020થી પાછો વેચાય અને નવાઈની વાત તો એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છતાં અહીંના સી.એફ.એસ.માંથી મોટાભાગના સી.એફ.એસો.એ કોઈ ચાર્જ બાદ કર્યો નથી. એક સી.એફ.એસ. 23-3-2020થી 31-3-2020 સુધી ચાર્જ બાદ આપ્યા બાદ હજુ સુધી કોઈ પણ સી.એફ.એસ. દ્વારા ચાર્જ બાદ મળ્યો નથી. જ્યારે મોટાભાગની શિપિંગ લાઈનોએ પ્રથમ અને બીજા લોકડાઉનમાં ડેમરેજ ચાર્જ બાદ અપાયો છે. ત્યારબાદ નિયત ચાર્જ વસૂલાયો હતો. સી.એફ.એસ. અંગેની અસંખ્ય રજૂઆતો અત્રેના કમિશનર પી.એમ.ઓ. કાર્યાલય, ફાઈનનાન્સ મિનિસ્ટર અને ચીફ કમિશનર અમદાવાદને આયાત-નિકાસકારો અને સ્થાનિક કસ્ટમ બ્રોકર એસોસીએશને પત્ર, ઈમેઈલ દ્વારા વખતોવખત કરાઈ અને કેન્દ્ર સરકારથી એક પરિપત્ર આ અંગે બહાર પડાયો તેમ છતાં સી.એફ.એસ.એ મચક ન આપતાં કેટલાક આયાતકારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ પણ દાખલ કરી પણ માનનીય હાઈકોર્ટે આ પરિપત્ર મેજર પોર્ટ માટે છે. જ્યારે મુંદરા મેજર પોર્ટની  વ્યાખ્યામાં આવતું નથી. છેલ્લા ઘણા લાંબા સમયથી દેશના અર્થતંત્રમાં અહીંથી દર વર્ષે લગભગ 20 હજાર કરોડથી વધારે રેવન્યુ જાય છે. જે દેશમાં બીજા ક્રમાંકે છે. છતાં મુંદરા પોર્ટ માઈનર કેમ ? કન્ટેઈનર, કાર્ગો, ડ્રાય કાર્ગો, હેન્ડલિંગમાં પણ દેશમાં બીજું સ્થાન કરાવે છે. આ અંગે તપાસ કરતાં મુંદરા પોર્ટ, ગુજરાત મેરીટાઈમ પોર્ટ હસ્તગત આવે છે. જ્યારે સી.એફ.એસ.ને મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ છે અને તે સ્થાનિક કસ્ટમમાં આવે છે તથા નિયમો અનુસાર ચલાવાય છે. ભારપૂર્વક અને આક્રોશ સાથે રજૂઆત કરતાં લોકો જણાવે છે કે મુંદરા કસ્ટમે આ અંગે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈતી હતી. જે અત્યાર સુધી કરી નથી અને સી.એફ.એસ. વિરુદ્ધ જ્યારે જ્યારે રજૂઆત હોય પણ કસ્ટમ તંત્ર અમે બોલાવીને રજૂઆત કરશું તેવો ઉડાઉ જવાબ અપાયો છે. એક સભ્યએ તો આક્રોશ સાથે અહીંના સી.એફ.એસ. દ્વારા કસ્ટમતંત્રને અપાતી ગાડી, મકાન ભાડું અને રોકડ રકમ જવાબદાર હોવાનું જણાવાયું છે. જે અંગે તપાસ કરતાં 34 જેટલા વાહનો તંત્રની સેવામાં વપરાય છે એવું જાણવા મળ્યું હતું. આમ, આર્થિક ભાંગી પડેલા આયાતકારો જણાવે છે કે તેમ છતાં કન્ટેઈનરો સી.એફ.એસ. લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે. અત્યારે સી.એફ.એસ.માં લેબરની ભારે અછત છે, કામ થતા નથી, ગાડીઓ ખાલી થતી નથી, સમયસર કાર્ગો નહીં પહોંચવાથી વિદેશી વેપારી ઓર્ડર કેન્સલ કરે છે. છેવટે ન છૂટકે કન્ટેઈનર ફેક્ટરી કે પ્રાઈવેટ ગોડાઉનમાં ભરી ઊંચા ટ્રાન્સપોર્ટ ભાડાથી ગાડીઓ દ્વારા મુંદરા પહોંચાડાય છે અને અમે એવી પણ રજૂઆતો કરી છે કે આર.એમ.એસ. કન્ટેઈનર જે ફક્ત ડયુટી ભરી છોડાવવામાં આવે છે તેને જો પોર્ટની અંદરથી જ સીધા જ ડિલિવરી આપવામાં આવે તો અમને આ નુકસાનીનું વળતર ભરપાઈ થઈ શકે અને માલ પણ ઝડપથી મળે. વધુ વાત કરતા આ અંગે સૂત્રો જણાવે છે કે, આયાતી કન્ટેઈનરો 10 ટકાથી લઈ 100 ટકા પરીક્ષણના ઓર્ડરો જે નિયમ મુજબ માલ પ્રમાણે અપાયા પણ સી.એફ.એસ.માં લેબર અને સ્ટાફના અભાવે ખાલી ન થવાથી સ્થાનિક સી.એફ.એસ.ના કસ્ટમ ઓફિસરો દ્વારા ખૂબ જ કનડગત કરાય છે અને નાણાંની માગણી કરવામાં આવે છે. આર.એમ.એસ.ના કસ્ટમ અધિકારીઓ અને ભારત સરકારના પરિપત્ર મુજબ જરૂરી દસ્તાવેજો ઈ-સંચિત સિસ્ટમમાં અપલોડ કર્યા છતાં પણ સમયસર આઉટ ઓફ ચાર્જ આપ્યો ન હતો. ફરજિયાત ડોક્યુમેન્ટ અને કસ્ટમ બ્રોકર્સના માણસ હાજર રહે તો જ આપીશું તેવો જવાબ અપાયો હતો અને બિલ ઓફ એન્ટ્રી સાઈડમાં મુકાય છે. જ્યારે નિયમ મુજબ વધારેમાં વધારે 2 કલાકમાં ક્લીયર કરવાનું હોય છે.પણ મુંદરા કસ્ટમમાં આવી અસંખ્ય રજૂઆતો પડી છે કે સાંભળનાર કોઈ નથી તેવું આ લોકોએ જણાવ્યું હતું. ટૂંકમાં કોરોના વાયરસના કારણે આયાત-નિકાસકારોને કરોડોનો ફટકો પડયો. ખરેખર કસ્ટમ તંત્રએ આવા સમયમાં માનવીય અભિગમ અપનાવી  તેઓની ફરિયાદ સાંભળવી જોઈએ તેવી માંગ લોકોએ કરી હતી. અન્યથા અત્રેથી કાર્ગો ડાયવર્ટ કરી અન્ય પોર્ટ કે આઈ.સી.ડી. તરફ વળવું જ પડશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer