ગાંધીધામમાં લોકડાઉન દરમ્યાન શરાબની બાટલીના ભાવ 800થી 1500 રૂા. થઇ?ગયા

ગાંધીધામ, તા. 5 : લોકડાઉનના સમયમાં લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ?હતા પરંતુ આદિપુર, ગાંધીધામ સંકુલમાં દારૂ અને મોબાઇલ ઉપર લેવાતા આંકડાના ધંધા તો ચાલુ જ રહ્યા હતા. વહીવટદારોને સાચવીને ઘાપાટામાં આ ધંધા હજુય દોડી રહ્યા છે. કોરોના મહામારીના પગલે લોકડાઉન થકી લોકોના ધંધા-રોજગાર બંધ રહેતાં લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઇ હતી. તો બીજીબાજુ આ સંકુલમાં ગેરકાયદેસરના ધંધાર્થીઓ બંને હાથે કમાતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. શહેરના ટ્રાન્સપોર્ટનગર, ખોડિયારનગર, ભારતનગર, મહેશ્વરીનગર, અપનાનગર, ગણેશનગર, ગુ. હા. બોર્ડ વિસ્તાર, કિડાણા, અંતરજાળ, સિંધુવર્ષા વગેરે વિસ્તારોમાં અગાઉ જે બાટલી 800માં વેચાતી  હતી તે રૂા. 1500માં ઘાપાટામાં વેચાતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. મુખ્ય વહીવટારોને સાચવી લ્યો અને ઘાપાટામાં ગેરકાયદેસરના ધંધા ચાલુ રાખો તેવી નીતિ અપનાવાઇ?હોવાનું જાણવા મળ્યું હતું. આ સંકુલમાં મોબાઇલ ઉપરના આંકડા પણ લેવાતા હોવાનું બહાર આવ્યું હતું. ચાવલા ચોક, જવાહર ચોક, ખન્ના માર્કેટ, સેક્ટર-પાંચ, જૂની કોર્ટ સામે, આદિપુર બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારોમાં આંકડાના બુકીઓ હાજર રહેતા હોય છે. આ બુકીઓ સાદા મોબાઇલથી ગ્રાહકો પાસેથી આંકડો લઇ એન્ડ્રોઇડ મોબાઇલમાં સોશ્યલ મીડિયા થકી પોતાના ઉપરીને વિગતો મોકલાવી દેતા હોય છે તેવું સૂત્રોએ કહ્યું હતું. ઘાપાટામાં ચાલતા આવા ધંધા ઉપર બહારની એજન્સી છાપો મારે તો આંકડાનું સાહિત્ય હાથમાં પણ ન આવે અને એન્ડ્રોઇડ મોબાઇલ અલગ જ રીતે છુપાવીને રાખવામાં આવતો હોવાનું પણ?બહાર આવ્યું હતું. મુખ્ય બુકીઓએ પોતાના ઘરની બહાર કૂતરાં રાખ્યા હોવાથી જો કોઇ અજાણી વ્યક્તિ આવે તો કૂતરાં તેમને આવવા ન દે અને તેટલા સમયમાં મુખ્ય બુકી પોતાની લીલા સંકેલી લે જેનાથી આગળની કોઇ?કાર્યવાહી થઇ?શકે નહીં તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. મુખ્ય વહીવટદારને સાચવીને ઘાપાટામાં ચાલતા આવા બેનંબરી ધંધાઓ ઉપર બહારની એજન્સી છાપો મારે તો જ હાથમાં આવે તેમ છે તેવી એક ચર્ચા આ ધંધા સાથે સંકળાયેલા લોકોમાં થઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer