ચોમાસા સમયે સર્જાતી મુશ્કેલીઓનો કાયમી નિવેડો ક્યારે ?

ભુજ, તા. 5 : કચ્છમાં સામાન્ય રીતે જૂનના બીજાં પખવાડિયાંમાં ચોમાસાની સત્તાવાર પધરામણી થતી હોય છે. આ વખતે વરસાદનું આગમન આજ સમયગાળામાં થવાની સેવાતી શક્યતા વચ્ચે ચોમાસા દરમિયાન જે કંઇપણ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. તેનામાંથી કાયમી છૂટકારો ક્યારે મળશે તેવા સવાલ  જાગૃત નાગરિકોમાંથી વ્યાપક પ્રમાણમાં ઉઠતા દેખાઇ રહ્યા?છે, તો દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે તે ભારે વરસાદ સમયે તો દૂર રહ્યો સામાન્ય વરસાદમાં પણ એળે જતો હોય તેવી સ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે. ચોમાસા દરમિયાન સૌથી મોટી મુશ્કેલી નીચાણવાળા વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીના લીધે સર્જાતી હોય છે. વરસાદી વહેણ આડે દબાણો ખડાં કરી દેવાતાં પાણી ભરાતું હોવાનું જગજાહેર હોવા સાથે દર સાલે આ સમસ્યા સર્જાતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયાસો કરાયા છે ખરા ? તો તેનો સ્પષ્ટ જવાબ નામાં જ મળે છે, જ્યારે જ્યારે પણ પ્રિ-મોન્સૂન પ્લાન ઘડાય ત્યારે  આવાં દબાણો હટાવી તેને દૂર કરવાની સૂચના આપવામાં આવે છે.  સાથો સાથ ભારે વરસાદ-વાવાઝોડાંની સ્થિતિ સમયે સંભવિત જાનહાનિ નિવારણ?માટે જર્જરિત મકાનોને તોડી પાડવા સહિતના  આદેશની અસર કાગળ પૂરતી સીમિત રહી જાય છે.પાણી ભરાવા સાથે વિવિધ કારણોસર ભારે વરસાદની સ્થિતિ સમયે જે ગામો સંપર્કવિહોણાં થઇ જાય છે તે સમસ્યાનો કાયમી હલ લાવવામાં તંત્રોને ઇચ્છીત સફળતા મળી નથી કે આવી સફળતા મેળવવા માટેના પ્રયાસો સક્રિય રીતે કરવામાં આવ્યા હોય તેવું દેખાતું નથી. આ ઉપરાંત ચોમાસા પૂર્વે વીજપૂરવઠો અવિરત મળતોરહે. સંચાર સેવા ઉપરાંત પાણી વિતરણ સહિતની આવશ્યક સેવાઓ જળવાયેલી રહે તે માટે સૂચનાઓ તો આપવામાં આવતી હોય છે, જ્યારે જ્યારે પણ સામાન્યથી વધુ વરસાદની સ્થિતિ સર્જાય ત્યારે આગોતરી તમામ પ્રકારની તૈયારી રાખવામાં આવતી હોવાના દાવા છતાં દર્શાવાયેલી તમામ સેવા રફેદફે જ થઇ જતી હોય છે. આવી તો અઢળક સમસ્યાઓ છે, જે ચોમાસા દરમિયાન દર વર્ષે સર્જાતી રહે છે, જ્યારે સમસ્યાનું સર્જન થાય ત્યારે આગ લાગે ત્યારે  કૂવો ખોદવાની માફક તંત્ર દોડધામમાં પરોવાઇ ગયા બાદ પછી રાત ગઇ ને વાત ગઇની માફક બધું ભૂલી જવાતું હોય છે. રાજ્યથી લઇ જિલ્લા અને ગ્રામ્યસ્તરના આપત્તિ વ્યવસ્થાપન પ્લાન પણ?ઘડવામાં આવતા હોય છે. એ જ રીતે પ્રિ-મોન્સૂન કામગીરીએ  રાજ્યના રાહત કમિશનરની નિગરાની તળે સ્થાનિકે જિલ્લા કલેક્ટરની માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી હોય છે.જોકે, દર વર્ષે મેરેથોન પ્રયાસો કરવામાં આવે છે તેની અસરકારકતા કાગળ પર જ વધુ સક્રિય રહેતી હોવાના લીધે જ વરસાદ સંલગ્ન સમસ્યાઓનો કાયમી તોડ લાવી શકાયો નથી એ તો સનાતન સત્ય જ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer