મોડેલ જન સેવા કેન્દ્ર કાર્યરત થવાના નથી દેખાતા એંધાણ

ભુજ, તા. 5 : રાજ્ય સરકારે દરેક જિલ્લા મથકમાં મોડેલ જન સેવા કેન્દ્ર કાર્યરત કરવાની મહત્વની યોજના ઘડી હતી. કચ્છમાં પણ સરકારની માર્ગદર્શિકા મુજબ કોઈ એક સ્થળે આવું કેન્દ્ર કાર્યરત કરવામાં આવે તે પ્રકારની હિલચાલ ઘડવામાં આવી હતી. જો કે, અગાઉ વહીવટી ગૂંચ અને તે બાદ વર્તમાન સમયે કોરોનાના કારણે જિલ્લામાં મોડેલ જન સેવા કેન્દ્ર સ્થાપિત કરવાનું અટવાઈ પડયાની સ્થિતિ સર્જાઈ ને સામે આવતી દેખાઈ રહી છે. રાજ્યની વાત કરીએ તો રાજકોટમાં પ્રથમ મોડેલ જન સેવા કેન્દ્ર કાર્યરત કરાયા બાદ આ જ મોડેલના આધારે દરેક જિલ્લામાં એક-એક મોડેલ જન સેવા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે તેવી સૂચના રાજ્ય સ્તરથી દરેક જિલ્લા તંત્રને આપવામાં આવી હતી. સુચિત પ્રક્રિયા ડિસેમ્બર માસમાં આરંભી દેવાઈ હોવા છતાં શરૂઆતના તબક્કે વહીવટી ગૂંચ સાથે અન્ય આયોજનોમાં તંત્ર પરોવાયેલું હોતાં ક્યા સ્થળે આ કેન્દ્ર બનાવાશે તે નિશ્ચિત કરવા સહિતની કામગીરી કરી શકાઈ ન હોતી. આ બધી અંતરાયોવાળી સ્થિતિ વચ્ચે હવે તો કોરોના વાયરસ સંલગ્ન કામગીરીમાં મોટા ભાગના વહીવટી વિભાગો પરોવાઈ જતાં મોડેલ જન સેવા કેન્દ્ર કાર્યરત કરવાનું વધુને વધુ પાછું ઠેલાતું જાય તેવું વર્તમાન સમયે તો દેખાઈ રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે, આમ તો દરેક તાલુકા મથકે જન સેવા કેન્દ્ર કાર્યરત છે પણ તેની કથળેલી સેવા અંગે વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે. રાજ્યભરમાં ઉઠતી આવી ફરિયાદોને ધ્યાને લઈ અરજદારોના વિવિધ પ્રકારના કામો સરળતાથી થઈ શકે. તેવા કોન્સેપ્ટના આધારે જ મોડેલ જન સેવા કેન્દ્ર સ્થાપિત કરવાનો વિચાર વહેતો મૂકી અમલવારીથી શરૂઆત કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer