હવે છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ અપાશે

ભુજ, તા. 5 : આરટીઇ એક્ટ મુજબ સીબીએસઇ શાળાઓમાં પ્રવેશ મુદ્દે થતા વિવાદના પગલે હવેથી ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જો કે, આ નિયમની અમલવારી શૈક્ષણિક વર્ષ 2024-25થી થશે. રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) એક્ટ-2009 મુજબ દેશના તમામ રાજ્યોમાં છ?વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ આપવાનો નિયમ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરનારા બાળકને ધોરણ-1માં પ્રવેશ?અપાય છે. જેથી સીબીએસઇ શાળાઓમાં આરટીઇ એક્ટ મુજબ પ્રવેશ ન અપાતાં વિવાદ ઊભો થતો હતો. આ વિવાદના પગલે રાજ્ય સરકારે તમામ શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટે વયમર્યાદાના નિયમમાં ફેરફાર કરી હવેથી છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ પ્રવેશ અપાશે. આ માટે બાળકની ઉંમર 1લી જૂન ગણવામાં આવશે.  જો કે, સરકારે નવા નિયમની અમલવારી માટે ત્રણ વર્ષની મુદ્દત આપી છે જેથી ચાલુ વરસે બાળક 4થા વર્ષમાં હોય તો તેને વાલીઓ પ્રિ-પ્રાયમરીમાં મૂકી શકે અને બાળકનું વર્ષ પણ ન બગડે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer