કચ્છમાં નર્મદા કેનાલના કામો પૂરા કરવામાં સરકારને રસ જ નથી

ભુજ, તા. 5 : ભાજપના પીઢ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના નર્મદાના કામ મુદ્દેના નિવેદને સર્જેલા રાજકીય ગરમાવા વચ્ચે વિપક્ષ કોંગ્રેસે કચ્છમાં નર્મદાના કામમાં થઈ રહેલા વિક્ષેપ પછવાડે ભાજપ સરકારને જવાબદાર ગણાવી પોતાની નિષ્ફળતા છુપાવવા કોંગ્રેસ પર દોષારોપણ કરાઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે. જિ.પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સરદાર સરોવર ડેમનો પાયો કોંગ્રેસે નાખી 70 ટકા કામ મેધા પાટકર પ્રેરિત આંદોલન વચ્ચે પૂર્ણ કર્યા હતા પણ 1995ની સાલથી ભાજપની સરકાર ગુજરાતમાં સત્તારૂઢ થયા બાદ કચ્છમાં નર્મદાના મુખ્ય કેનાલના કામો હોય કે પેટા કેનાલ કોઈમાં ગતિશીલતા જોવા જ મળી નથી. બજેટમાં પૂરતા નાણાંની ફાળવણીમાં દાખવાતી ઉદાસીનતા સહિતના કારણો હોય કે પછી જમીન સંપાદિત કરવા માટે ખેડૂતોને સહમત કરવાના હોય. કોઈ પણ કામમાં સતાપક્ષના લોકપ્રતિનિધિઓએ રસ દાખવ્યાની વાત દૂર રહી વિધાનસભામાં આ મુદ્દે અવાજ ઉઠાવ્યો નથી. શિણાયના 72 ખેડૂતોએ યોગ્ય વળતર માટે હાઈકોર્ટમાં દાદ માંગતા વડી અદાલતે સંપાદનની કાર્યવાહીનો હુકમ રદ્દ કરવા છતાં સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. તે બાદ ડિસેમ્બર-19માં ડેટા એન્ટ્રીની કામગીરી 90 દિવસમાં સંપન્ન કરવાના આદેશ છતાં 6 માસ સુધી કોઈ કાર્યવાહી ન કરી નગર નિયોજકનો હુકમે રદ્દ કરી દીધો હતો. મુખ્યમંત્રીશ્રી રૂપાણી કેરા ખાતેના કાર્યક્રમમાં આવ્યા ત્યારે તેમણે રાજ્યમંત્રી વાસણભાઈ અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને ખેડૂતો સાથે બેઠક કરી સમજાવવાની જવાબદારી સોંપવા છતાં 8 માસ થયા કોઈ બેઠક કરવામાં આવી નથી. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને બાબુલાલ મેઘજી શાહ આ મુદ્દે વારંવાર રજૂઆતો કરી જેથી કોંગ્રેસ પર દોષારોપણ કરવાનું ઉચિત ન હોવાનું શ્રી હુંબલે જણાવ્યું હતું. ગ્રેવિટીના બદલે પમ્પીંગ દ્વારા પાણી આપવાનો નિર્ણય કચ્છ માટે અહિતકારી સાબિત થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચોબારીમાં 100 ખેડૂતોએ પ્રજાકીય પ્રતિનિધિ પર વિશ્વાસ મૂકી પોતાની જમીનો સોંપી તેમને આજ દિવસ સુધી વળતર પેટે એક પાઈ ચૂકવવામાં આવી નથી.રુદ્રમાતા કેનાલ માટે ખેડૂતોએ શ્રવણ કાવડિયા ખાતે બેઠક કરી નર્મદા કેનાલ માટે જમીનો આપવા સહમતી દર્શાવી હોવા છતાં સરકારે તેમના સાથે કોઈ બેઠક કરી નથી.  ભાજપના નેતાઓ ખેડૂતોને સમજાવવા સક્ષમ ન હોય તો કોંગ્રેસના આગેવાનો સમજાવવાની જવાબદારી લેવા તૈયાર હોવાનું કહી કચ્છના પ્રાણપ્રશ્ને શાસક-વિપક્ષનો ભેદ ભૂલી તમામ આગેવાનો એક મંચ પર આવે તેવી હિમાયત પણ કરવામાં આવી હતી.  ગનીભાઈ કુંભાર, દીપક ડાંગર, હરીશ આહીર વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer