ભુજમાં મારામારી : એકને છરીથી ઇજા, બીજાને ઘરેથી ઉઠાવી જઇ માર મરાયો

ભુજ, તા. 5 : શહેરમાં સંસ્કારનગર વિસ્તારમાં પડદાભિટ્ટ હનુમાન મંદિર નજીક ઘરની બાજુમાં રોડ ઉપર બેસવાના મામલે થયેલી મારામારીમાં 26 વર્ષની વયના ચિરાગગિરિ અતુલગિરિ ગોસ્વામીને છરી વડે ડાબા પડખે ગંભીર ઇજાઓ થઇ હતી, તો સામા પક્ષના જયદીપગિરિ ઇશ્વરગિરિ ગોસ્વામી (ઉ.વ.34)ને ગાડીમાં ઉઠાવી જઇને માર મરાયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ ગતરાત્રે આ સમગ્ર હિંસક ઘટનાક્રમ બન્યો હતો. ડાબા પડખે છરી વડે ઇજા પામનારા ચિરાગગિરિ અતુલગિરિ તથા સામા પક્ષના જેને ઉઠાવી જઇને માર મરાયો તે જયદીપગિરિ ઇશ્વરગિરિને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.  બનાવ બાબતે ચિરાગગિરિ દ્વારા જયદીપગિરિ ઇશ્વરગિરિ ઉપરાંત નવીનગિરિ ખીમગિરિ ગોસ્વામી અને સંધ્યાબેન જયદીપગિરિ ગોસ્વામી સામે ભારતીય દંડસંહિતાની કલમ 326 મુજબ ફરિયાદ લખાવાઈ હતી, જ્યારે સામાપક્ષેથી જયદીપગિરિને કારમાં ઘરેથી ઉઠાવી જઇને માર મારવા બાબતે ચિરાગગિરિ તથા તેની સાથેની ચાર-પાંચ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જયદીપગિરિને ઘરેથી ગાડીમાં ઉઠાવી જવાયા બાદ તે હોસ્પિટલમાં દાખલ હોવાની તેના પત્નીને જાણ થઇ હતી. ઘર પાસેના રોડ ઉપર ઊભવાની ના પાડયા બાદ પણ આ સ્થળે આવીને ઊભવા બદલ આ મારામારી થઇ હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું છે. એ. ડિવિઝન પોલીસ મથકના ફોજદાર કે.એમ.અગ્રાવતે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer