આદિપુરમાં ભરબપોરે છરી મારી ત્રણ હજારની લૂંટ

ગાંધીધામ,તા.5 : આદિપુરના સંતોષી માતા ચાર રસ્તા નજીક આજે ભરબપોરે એક યુવાન ઉપર ચાર શખ્સો છરી વડે હુમલો કરી તેની પાસેથી રોકડા રૂા. 3000ની લૂંટ કરીને નાસી  ગયા હતા. આ ઘટનાથી ચકચાર પ્રસરી હતી. આદિપુરના સંતોષી માતા ચાર રસ્તા પાસે આજે બપોરે 12:30ના અરસામાં આ બનાવ બન્યો હતો. ગાંધીધામના સેકટર-સાતમાં રહેનારો રાજેશ ખીમજી મહેશ્વરી (ઉ.વ.29) નામનો યુવાન આજે બપોરે અહીંથી જઈ રહ્યો હતો ત્યારે તેને ચાર અજાણ્યા શખ્સોએ રોકયો હતો. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ યુવાને પોલીસને પ્રાથમિક કેફિયત આપતાં જણાવ્યું હતું કે આ ચાર શખ્સો પૈકી બે શખ્સોએ તેને પકડી રાખ્યો હતો. જ્યારે અન્ય બે શખ્સોએ છરી વડે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તેની પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂા. 3000ની લૂંટ કરી નાસી ગયા હતા. ઘવાયેલા આ યુવાનને પ્રથમ રામબાગ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો. આ બનાવ અંગે મોડી રાત સુધી આદિપુર પાલીસ મથકે ફરિયાદ નોંધાઈ ન હતી. બનાવની વિગતો લેવા ગયેલા પી.એસ.આઈ. ડી. એસ. ડાભીનો સંપર્ક કરતાં તેમણે ફોન ન ઊંચકતાં વધુ વિગતો બહાર આવી શકી નહોતી. થોડા દિવસ અગાઉ ગાંધીધામમાં પટેલ ટ્રાવેલ્સની ઓફિસ પાસે રેલવેના કર્મીને છરી બતાવી બે શખ્સોએ મોબાઈલ વગેરેની લૂંટ કરી હતી. તેવામાં આ સંકુલમાં લૂંટનો બીજો બનાવ પ્રકાશમાં આવતાં લોકોમાં ચકચાર પ્રસરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer