પવનચક્કીથી થતા મોરનાં મોત સામે રોષ

ભુજ, તા. 5 : કુદરતના ખોળે આવેલા સુમરી રોહા કવિ કલાપીને પ્રેરણા આપનારા અને મોરને સંપૂર્ણ સંરક્ષણ આપનારા નિસર્ગના સાંનિધ્યમાં વસે છે. પવનચક્કીના વીજકરંટના કારણે શોર્ટ લાગવાથી એક અઠવાડિયામાં લગભગ પાંક મોરનાં અપમૃત્યુ થવાનાં બનાવ બન્યા છે. પવનચક્કીથી કચ્છની વન્યસંપદાને થતા નુકસાનને બચાવવા અને રાષ્ટ્રીય પક્ષી મોરને સંરક્ષણ આપવા પવનચક્કીના વાયરોને અંડરગ્રાઉન્ડ અથવા ઈન્સ્યુલેટ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવા છતાં કંપની બેદરકાર રહી પવનચક્કીના વાયરો ખુલ્લા રાખ્યા હોવાથી મોરના મરણ માટે જવાબદાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને પવનચક્કીનું સ્થાન બદલી તેને દૂર ખસેડવાની વિનંતી સાથે કચ્છ જે કારાયલ જો કેકારવ સંસ્થાના કન્વીનર નવીન બાપટે કચ્છ વનવિભાગમાં વડા અનિતાબેનને રજૂઆત કરી હતી અને અધિકારીએ સહાનુભૂતિપૂર્વકનું વલણ બતાવી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. પશ્ચિમ વન વિભાગના વડા પ્રશાંત પટેલને પણ તેમણે રજૂઆત કરતાં તેઓ આ બાબતે સંસ્થાને પૂરો સહકાર આપી ગુનેગારોને નશ્યત અપાવવા તથા પવનચક્કીના વાયરો, ઈન્સ્યુલેટ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. રોહાના ગ્રામજનોએ આ બાબતે ખૂબ આક્રોશ બતાવ્યો હતો. ગ્રામજનોએ જવાબદાર કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા સરકારને રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું. ગામના અગ્રણી પુષ્પેન્દ્રસિંહ, ગામના સરપંચ અનવરભાઈએ આ બાબતે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer