ડીપીટીના આરોગ્ય વિભાગ સામે વધુ એક કામદાર સંગઠન લડતના મૂડમાં

ગાંધીધામ, તા.5 : ડીપીટીના કર્મચારીઓને આરોગ્યલક્ષી સુવિધા અંતર્ગત કેન્દ્ર સરકારની સીજીએચએસ સ્કીમ મુજબ મેડિકલ બિલની રકમના કપાતના મુદ્દે હવે બીજું કામદાર સંગઠન ડીપીટીના આરોગ્ય વિભાગ સામે  લડવાના મૂડમાં હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કુશળ-બિનકુશળ અસંગઠિત કામદાર યુનિયન પૂર્વ-પશ્ચિમ કચ્છના મહાસચિવ વેલજીભાઈ જાટ  દ્ધારા  ડીપીટીના મુખ્ય આરોગ્ય અધિકારી સમક્ષ કર્મચારીઓની આરોગ્ય સુવિધા સંબંધી માહિતી માગવામાં  આવી હતી.અલબત્ત, અધિકારી દ્વારા તેમની પાસે કોઈ જવાબ નથી એવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. 15 મુદ્દાની માહિતી અધિકાર તળે થયેલી અરજીમાં પણ માત્ર ચાર મુદ્દાના  દસ્તાવેજ અપાયા હોવાનું કામદાર સંગઠને કહ્યું હતું. સીજીએચએસ સ્કીમ પ્રમાણે કર્મચારીઓને મેડિકલ બિલોની રકમમાં કપાત કરી આર્થિક નુકસાન પહોંચાડાય છે. તેમજ ડીપીટીની હોસ્પિટલમાં ન થતા પેથોલિજિકલ અને રેડિયોલોજિકલ ટેસ્ટ માટે કેશલેસ સુવિધા માટે ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે. તેમ છતાં કરારબદ્ધ થયેલા ખાનગી આરોગ્ય કેન્દ્ર પોતાની મનમાની ચલાવી ડીપીટીની હોસ્પિટલે લખેલા પ્રિક્રિપ્શનમાંથી અમુક પેથોલોજિકલ અને રેડિયોલોજિકલ ટેસ્ટનો ધરાર  ઈન્કાર કરે છે અને દર્દી પાસે ચાર્જ વસૂલે છે. જેની પ્રતિપૂર્તિ ચિકિત્સા વિભાગ દ્વારા કરવામાં આવતી નથી.મુખ્ય ચિકિત્સા અધિકારી  અમુક અધિકારીઓના મેડિકલ બિલની રકમ કોઈ પણ જાતની  કપાત વિના પૂરેપૂરી રકમ મંજૂર કરી વહાલા-દવાલાની નીતિ અપનાવી રહ્યા છે તેવો આક્ષેપ તેમણે ઉમેર્યો હતો.આ  બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો  કાનૂની વિકલ્પો અનુસાર કાર્યવાહીની ચીમકી પણ એક યાદીમાં ઉચ્ચારવામાં આવી હતી.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer