પશ્ચિમ કચ્છ માટે નર્મદા પેયજળ લાવશે અચ્છે દિન

પશ્ચિમ કચ્છ માટે નર્મદા પેયજળ લાવશે અચ્છે દિન
ગિરીશ જોશી દ્વારા-  ભુજ, તા. 4 : અનિયમિત વરસાદના કારણે હવે પીવાના પાણીની સમસ્યા ભોગવી રહેલા પશ્ચિમ કચ્છ માટે હવે છ મહિના આડે રહ્યા છે. આવનારા છ મહિના પછી પેયજળની કાયમી અછત દૂર થાય એ રીતે નર્મદાના પાણીના પાઈપ પાથરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ટપ્પર ડેમમાંથી વધારાના 150 એમ.એલ.ડી. પાણી ઉપાડવાની કામગીરી આખરે પોલીસ રક્ષણ સાથે ચૂપચાપ ચાલી રહી હોવાની વિગતો બહાર આવી છે. નર્મદાના સિંચાઈના પાણીના મુદે કચ્છના મોટા ભાગના વિસ્તારને વર્ષોથી અન્યાય થઈ રહ્યો હોવાના અત્યારે ગરમ બનેલા માહોલ વચ્ચે પીવાના પાણી માટે  એક મોટી ધરપત આપતા હેવાલ મળ્યા છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ટપ્પર ડેમમાંથી અંજાર સુધી 21 કિલોમીટરની પાઈપલાઈન પાથરવા ખેડૂતોના વિરોધના પગલે ત્રણ વરસથી વિધ્ન નડી રહ્યા હતા ને હવે પાણી પુરવઠા તંત્રે પોલીસની મદદ લેતાં 60 ટકા કામ પૂર્ણ પણ થઈ ગયું છે. મળેલી માહિતીના આધારે પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેર અશોક વનરાનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપતાં કહ્યું કે, જો આ કામ ત્રણ વરસ પહેલાં શરૂ થઈ ગયું હોય તો આજે એક વરસથી પશ્ચિમ કચ્છને પીવાના પાણીની કયાંય અછત ન હોત. અત્યારે પણ કેનાલ ટપ્પર ડેમ સુધી આવી જવાની પૂર્વ કચ્છના ભચાઉ, રાપર, ગાંધીધામ, અંજાર અને અંજાર-ભુજ વચ્ચેના મોટાભાગના વિસ્તારને પીવાના પાણીની કયારેય અછત થતી નથી. જ્યારે જ્યારે ઓછો વરસાદ થાય છે એવા ટાંણે અબડાસા, લખપત અને ભુજ, માંડવી વિસ્તારમાં સ્થાનિક સોર્સ ઊંડા ઉતરી જતા હોવાના કારણે નર્મદાના પાણીની ખપત વધી જાય છે. પરંતુ અંજારથી ભુજ સુધી અત્યારે દૈનિક 100 એમ.એલ.ડી. પાણી લઈ શકાય છે એવી વ્યવસ્થા છે. હવે ટપ્પર ડેમથી અંજાર ખાતેના નર્મદા હેડવર્કસ સુધી 21 કિલોમીટર નવી પાઈપલાઈન નાખવાનું કામ ચાલુમાં છે. સતાપર સુધી લાઈનો જમીનમાં પથરાઈ ચૂકી છે એમ શ્રી વનરાએ જણાવ્યું હતું. ત્રણ વરસથી અટકેલી રૂા. 72 કરોડની પશ્ચિમ કચ્છ માટેની મહત્ત્વાકાંક્ષી આ યોજનાનું કામ હવે પોલીસ રક્ષણ સાથે ચાલતું હોવાથી આગામી છ મહિના પછી વધુ 150 એમ.એલ.ડી. પાણી લઈ શકાશે. આ કામ માટે રોજ-રોજ પ્રગતિનો હેવાલ લેવામાં આવી રહ્યો છે. પાઈપ લાઈન કેટલા ડાયામીટરની છે એ સવાલ સામે અધિકારીએ 1520 મી.મી. સાઈઝના પાઈપ છે એમ જણાવી જેનામાંથી 150 એમ.એલ.ડી. અને વર્તમાનના 100 મળીને છ મહિના પછી અડધા કચ્છને 250 એમ.એલ.ડી. નર્મદાનું પાણી આવી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કામ કેટલું પ્રગતિમાં છે તેની સામે જણાવ્યું કે, ધમધોકાર રીતે ચાલે છે. ભુજ-માંડવી સહિત પશ્ચિમ કચ્છને આગામી છ મહિનામાં 250 એમ.એલ.ડી. પાણી મળતું થઈ જશે તેવું પણ અંતમાં ઉમેર્યું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, મંગવાણાથી મોથાળા સુધી નર્મદાનું કામ પૂર્ણ થઈ  ચૂકયું છે. અને મોથાળાથી અબડાસાના અંદાજે 80થી વધુ ગામોને પેયજળ વિતરણ વ્યવસ્થાનું માળખું પણ કાર્યરત છે માત્ર પાણીનો જથ્થો જો વધી જાય તો પીવાના પાણી માટેની અછત એક ભૂતકાળ બની જાય તેવા ઉજળા દિવસો દેખાઈ રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer