કચ્છના ભૂકંપ વખતે સરાહનીય કામગીરી કરનારા સનદી અધિકારી વિશ્વબેંકમાં નિમાયા

કચ્છના ભૂકંપ વખતે સરાહનીય કામગીરી કરનારા સનદી અધિકારી વિશ્વબેંકમાં નિમાયા
ભુજ, તા. 4 : કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અને ભૂકંપ બાદની પુનર્વસન પ્રક્રિયામાં ગ્રામ્ય ક્ષેત્રના ઉત્થાનમાં રાત-દિન જોયા વગર ફરજ બજાવનારા 1996ની બેચના સનદી અધિકારી રાજીવ ટોપનોને વોશિંગ્ટન ડીસી ખાતે વર્લ્ડબેંકના આર્થિક બાબતોના વિભાગ હેઠળ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના વરિષ્ઠ સલાહકાર બનાવાયા છે. સનદી અધિકારી થયા બાદ પોતાના કાર્યકાળના આરંભના સમયમાં ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયેલા શ્રી ટોપનો ભૂકંપના દિવસોમાં ખૂબ જ સરળતાપૂર્વક ગ્રામ્ય ક્ષેત્રના પુનર્વસનમાં ઝડપ લાવી રાજ્ય સરકારના ધ્યાનમાં આવી ગયા હતા. ઝીણવટભરી કામગીરી કરવામાં માહેર અને માત્રને માત્ર ફરજનિષ્ઠાને વરેલા આ અધિકારી કોઇપણ વિવાદથી દૂર રહીને કામ કરવામાં માને છે. શ્રી ટોપનોની કાર્યપદ્ધતિ જ એટલી નિરાળી છે કે તેમને યુ.પી.એ. સરકારે જ વડાપ્રધાન કાર્યાલયમાં ખેંચી લીધા હતા અને વડાપ્રધાનની `િથંકટેન્ક'માં તેમનો સમાવેશ થયો હતો. મનમોહન સરકાર બાદ તેઓ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણઅંગત સચિવ તરીકે પી.એમ.ઓ.માં જ ફરજ બજાવી રહ્યા છે. ભૂકંપ બાદ જ્યારે ગ્રામ્ય પુનર્વસનની ગાડી પાટે નહોતી ચડી અને કાટમાળ કૌભાંડ, રિસર્વેમાં ગેરરીતિ, દત્તક યોજનાના આટાપાટા ચાલતા હતા ત્યારે રાજકીય વગવાળા બેથી ત્રણ કરોડના કાટમાળના બિલો અટકાવીને તેમણે તપાસના આદેશ કર્યા હતા જે બાદમાં એક હજાર જણને સંડોવતું એક મસમોટું આયોજનપૂર્વકનું કૌભાંડ સાબિત થયું હતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની તુલના કરીએ તો બાંધકામ પદ્ધતિ, મકાન સહાયના હપ્તાઓનું ચૂકવણું અને ભચાઉનું ટાઉનપ્લાનિંગ ઇત્યાદિમાં ખૂબ ઊંડા ઊતરીને કામગીરી પાર પાડનારા શ્રી ટોપનોની સેવાઓને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે હવે તેમને પી.એમ.ઓ.માંથી સીધા વર્લ્ડબેંકમાં અમેરિકા ખાતેની ફરજ સોંપીને સીધી સરાહના કરી છે. કચ્છમાં તેઓ તા. 4-2-2000ના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમાયા અને તા. 30-4-2003ના અહીંથી ભરૂચ કલેકટર તરીકે બદલાવાયા હતા   

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer