અંજારમાં 50 કરોડના ખર્ચે અદ્યતન શાક માર્કેટનું થશે નિર્માણ

અંજારમાં 50 કરોડના ખર્ચે અદ્યતન શાક માર્કેટનું થશે નિર્માણ
રશ્મિન પંડયા દ્વારા-  અંજાર, તા. 4 : કચ્છમાં ભૂકંપ બાદ અનેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખૂલ્યા હતા. ત્યારે હાલની વિપરીત પરિસ્થિતિમાં કચ્છના અનેક ક્ષેત્રમાં નવી સુવિધા સાથે વિકાસની ગતિથી કચ્છ પુન: સમગ્ર વિશ્વમાં સારી નામના મેળવી ખ્યાતિ મેળવશે. કોરોના સાથે જીવન જીવવાની શૈલીથી દરેક લોકોના જીવનમાં તેમજ ધંધા-રોજગાર, વ્યાપાર ક્ષેત્રે પણ અમૂલ્ય પરિવર્તનથી વિકાસની નવી તકથી સમગ્ર કચ્છ ઝડપથી વિકાસ કરશે તેવી આશા વ્યક્ત કરતાં ગુજરાત રાજ્યના સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગના કલ્યાણમંત્રી વાસણભાઈ આહીરે આજે અંજારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, અંજારમાં રૂા. 50 કરોડના ખર્ચે અદ્યતન શાક માર્કેટ નિર્માણ પામશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભચાઉ શાક માર્કેટના પ્રારંભ વખતે કરેલી અપીલનું બીડું અંજારે ઝડપી લીધું છે. આગામી 25 વર્ષનું આયોજન વિચારી શહેરની તેમજ તાલુકાની વસતીને ધ્યાનમાં લેતાં રૂા. 50 કરોડના ખર્ચે 10 એકર 16 ગુંઠા ચો.મી. જગ્યામાં આધુનિક રાજ્યના મોડલ શાકભાજી પાર્કનું થોડા જ સમયમાં નિર્માણકાર્ય માટે ગતિવિધિ તેજ કરાઈ છે. અંજાર શાક માર્કેટ યાર્ડ દ્વારા આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. અંજાર તાલુકાની લીલીછમ વાડીઓ હવે આધુનિક કૃષિથી આ તાલુકામાં કૃષિ પેદાશોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કચ્છની કેસર કેરી, ખારેક, દાડમ, સક્કરટેટી સાથે વિવિધ શાકભાજી, બટાટાનું ભારે માત્રામાં ઉત્પાદન થતું હોવાથી અને ખેડૂતોને પોતાની ઉપજના પૂરા પ્રમાણમાં કિંમત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાથી આવા શાકમાર્કેટ યાર્ડ માટે અને ખેડૂતો-વેપારીઓ પ્રજાની સુવિધા માટે નિર્માણ કરવાનું આયોજન કરાય છે. અંજાર પૂર્વ કચ્છનું વડુંમથક બનવા જઈ રહ્યું છે. શહેરમાં પીજીવીસીએલ સંકુલ કચેરી, બે આઈ.ટી.આઈ. કેન્દ્ર તેમજ આર.ટી.ઓ., ખાણખનિજ, જી.પી.સી.પી. કચેરી, ડિસ્ટ્રીક્ટ કોર્ટ વગેરેની કચેરીઓ કાર્યરત છે. ત્યારે આગામી સમયમાં સમગ્ર કચ્છના ખેડૂતો માટે ખારેક, દાડમ, આંબાના પ્રોસેસિંગ યુનિટ માટે પણ આયોજન કરાશે. હાલમાં હાલની શાકભાજી માર્કેટમાં વેપાર ક્ષેત્ર માટે જગ્યા ખૂબ જ નાની પડતી હોવાથી વિશાળ જગ્યામાં નિર્માણ થનાર આધુનિક શાક માર્કેટ યાર્ડ સમગ્ર રાજ્યમાં પ્રથમ હશે તેમજ રાજ્યમાં બે સબયાર્ડ ધરાવતા 10 માર્કેટ યાર્ડમાં અંજારનો સમાવેશ થશે. સમગ્ર કચ્છમાં મોટામાં મોટું શાકભાજી અને ફળફળાદિનું યાર્ડ બનશે. કચ્છ બહારથી પણ નાસિક, ડીસા, રાજકોટ, હળવદ, મહુવા, ગોંડલ, અમદાવાદ, ભાવનગરથી પણ શાકભાજી, ફળો વેચાણ માટે અહીં આવતા હોઈ આ વેપારીઓને નવી સુવિધા પ્રાપ્ત થશે તેમજ સિઝનમાં દાડમ, ખારેક, કેસર કેરીના લિલામ માટે અદ્યતન સુવિધા ઊભી કરાશે. શહેરમાં મર્કેટ યાર્ડની બાજુમાં જ આવેલી વિશાળ જમીનમાં આ અદ્યતન માર્કેટના નિર્માણ માટે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રૂા. 50 લાખના ખર્ચે રેલવે ફાટક પહોળું કરવા માટે તરત કામગીરી હાથ ધરાશે અને અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવી ટ્રાફિકની સમસ્યા હલ કરાશે તેવું શ્રી આહીરે જણાવ્યું હતું. અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, એ.પી.એમ.સી. દ્વારા શહેરના વેપારી-ખેડૂતોની સુવિધા માટે નિર્માણ થનારી આધુનિક શાકભાજી સબયાર્ડમાં વેપારીઓ માટે આધુનિક ઓફિસો, ઓક્શન માટે વિશાળ શેડ, ખેડૂતો માટે ઓપન શેડ, વિશાળ અદ્યતન પાર્કિંગ સુવિધા, સેનિટેશન બ્લોક, કેન્ટીન, મિલ્ક પાર્લર, સી.સી.ટી.વી. કેમેરા, આધુનિક 24 કલાક સિક્યોરિટી, કોલ્ડ સ્ટોરેજ પેક હાઉસ, કેરી, દાડમ, ખારેક માટે આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ સહિતની સુવિધા ઊભી કરી સમગ્ર રાજ્યમાં મોડેલ માર્કેટ બનાવવામાં આવશે. વિશાળ માર્કેટના આયોજન માટે ઘણા સમયથી આયોજન વિચારાઈ રહ્યું હતું. શહેરના શાકભાજી-ફ્રૂટના વેપારીઓ સાથે અલગ-અલગ મિટિંગો કરી તેમના પણ વિચારો-સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ શાકભાજી યાર્ડમાંથી સમગ્ર કચ્છ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાં વેચાણ માટે શાકભાજી-ફ્રૂટ જતા હોઈ સમગ્ર કચ્છનું આ શહેર એક એવું કેન્દ્ર છે જેને બે વિશાળ બંદરોની સુવિધા પ્રાપ્ત છે. કંડલા, મુંદરા બંદરથી નિકાસ માટે પણ અનેક સુવિધા પ્રાપ્ત થશે. અંજાર સુધરાઈના શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહે જણાવ્યું હતું કે, શહેરના આગામી 25 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજન કરાઈ રહ્યું છે. વિકાસના કામો માટે સુવિધા દ્વારા સુધરાઈ સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ વેલાભાઈ ઝરૂ, તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેન દુદાભાઈ બરારિયા, સેક્રેટરી મૂળજીભાઈ મ્યાત્રાએ પણ ખેડૂતો-વેપારીઓ-દલાલો અને સમગ્ર તાલુકા-શહેરની પ્રજા માટે આગામી દિવસોમાં નિર્માણ થનારી આ આધુનિક સુવિધા સાથે શાકભાજી યાર્ડથી આ શહેર-તાલુકાને નવી વિકાસની ગતિ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer