અંજારમાં ધડાકા બાદ ભંગારના વાડામાં આગ લાગવાના પગલે દોડધામ મચી

અંજારમાં ધડાકા બાદ ભંગારના વાડામાં આગ લાગવાના પગલે દોડધામ મચી
અંજાર, તા. 4 (પ્રતિનિધિ દ્વારા) : શહેરમાં આજે સવારે ધડાકા બાદ ભંગારના વાડામાં આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. આ ઘટનામાં એક જણને ઇજાઓ પણ થઇ હતી. આજે સવારે નવ કલાકની આસપાસ શહેરના ખત્રી ચોક વિસ્તાર પાસે આવેલી મટન માર્કેટની બાજુમાં ભંગારના વાડામાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે વાડામાં રહેલો મોટા ભાગનો ભંગાર આગમાં બળીને ખાખ થયો હતો. આશરે એકાદ કલાક ચાલેલા અગ્નિ પ્રકોપમાં એક જણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ મટન માર્કેટ પાસે આવેલા ભંગારના વાડામાં રહેલા નાનકડા બાટલામાં અગમ્ય કારણોસર અચાનક બ્લાસ્ટ થતાં જોતજોતામાં આખાય વાડામાં ભયાનક આગ પ્રસરી હતી. આ આગ એટલી તીવ્ર હતી કે, ઇજાગ્રસ્ત રમજુભાઇ જુમાભાઇ સંઘાર (રહે. અંજાર)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સ્થાનિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો હતો. બ્લાસ્ટ કયા કારણસર થયો તેની હજી કેઇ ચોક્કસ વિગત જાણી શકાઇ નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer