વૃક્ષો વવાયાં અને વીજલાઈનને અડતાં કપાયાં !

વૃક્ષો વવાયાં અને વીજલાઈનને અડતાં કપાયાં !
ગાંધીધામ, તા. 4 : પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું જતન અતિજરૂરી છે. પરંતુ વૃક્ષોની ઉપરથી પસાર થતી વીજલાઈનોની જાળવણીના કાર્ય માટે વૃક્ષો કાપવા પડે છે. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ પ્રવર્તે છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનો ઉપાય શ્રેષ્ઠ છે.ગાંધીધામ અને આદિપુર  શહેરી વિસ્તારમાં તમામ  વીજલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાનો પ્રકલ્પ 6 વર્ષ પૂર્વે મંજૂર થયો હતો પરંતુ હજુ સુધી આ કાર્યનો આરંભ નથી થઈ શક્યો. રાજય સરકાર દ્વારા તમામ તાલુકા મથકોએ મંત્રીઓની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરાયું હતું. એ અંતર્ગત ગાંધીધામમાં તત્કાલીન રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોકદરબારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગના પ્રકલ્પને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં વીજતંત્રના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ગાંધીનગર ખાતે  દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. પરંતુ હજુ 6 વર્ષ પછી પણ આ યોજના આગળ વધી શકી નથી. વીજતંત્રના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ યોજના માટે વિશ્વ બેન્ક દ્વારા લોન આપવામાં આવશે. સમગ્ર આયોજન માટે રૂ.161.05 કરોડની રકમ ફાળવવામાં આવી છે. ત્યારે વર્લ્ડ બેન્કની લોન માટેની પ્રક્રિયા વિલંબમાં પડતાં  ગાંધીધામ આદિપુર સંકુલની આ મહાત્વાકાંક્ષી યોજના વિલંબમાં પડી છે. વધુમાં મળતી વિગતો મુજબ હાલ ગાંધીધામમાં જયાં ઓવરહેડ કેબલિંગ શક્ય નથી ત્યા વીજતંત્ર દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાંખેલા જ છે. અને તેમાં થતી ખામી શોધવા માટેની અત્યાધુનિક મશીનરી પણ હાલ તંત્ર પાસે ઉપલબ્ધ છે. શરૂઆતમાં જયારે યોજનાને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી ત્યારે ફોલ્ટ શોધવાની મશીનરી સહિતના પ્રશ્ને સવાલ હતો. ગાંધીધામની  મુખ્ય બજારમાં ભૂકંપ બાદ  કંડલા પોર્ટ (હાલનું દીન દયાલ પોર્ટ) દ્વારા ફાળવવામાં આવેલા કર્ફના ભંડોળમાંથી અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવ્યા હતા. અમુક વર્ષો બાદ અવાર નવાર મુખ્ય બજારમાં ફોલ્ટ સર્જાતા આખરે ઓવરહેડ લાઈન  કાર્યરત કરામાં આવી હતી. આજે પણ આ અંડરગ્રાઉન્ડ કેબલના ચિહ્નો મુખ્ય બજારમાં નજરે પડી રહ્યા છે. મુખ્ય બજારમાં પણ અડધો પ્રવાહ અંડરગ્રાઉન્ડથી અને અડધો પ્રવાહ ઓવરહેડ લાઈનથી આપવામાં આવે છે.ગાંધીધામ આદિપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત દર વર્ષે  વીજતંત્ર દ્વારા વૃક્ષોનું છેદન કરવું પડે છે.વૃક્ષો વીજલાઈન ઉપરથી પસાર થતા હોઈ અકસ્માત ન સર્જાય તે માટે કાપવા પણ જરૂરી છે, પરંતુ તેનો ઉપાય અંડરગ્રાઉન્ડ કેબલ વીજતંત્ર પાસે છે અને ગાંધીધામ આદિપુર પાસે તેની યોજના પણ મંજૂર પડી છે ત્યારે વૃક્ષોની જાળવણી માટે આ પ્રકલ્પ હવે કોઈ પણ વિલંબ વિના આગળ ધપાવવામાં આવે તેવું પર્યાવરણપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. ગાંધીધામ આદિપુરમાં  હાઈટેન્શન લાઈન અને લો ટેન્શન લાઈન તમામ અંડરગ્રાઉન્ડ કરવાની યોજના છે. આદિપુરમાં રેલવે સ્ટેશન પાસે  વર્ષ 2011માં હજારો વૃક્ષોનું વાવેતર કરાયું હતું. ત્યાર બાદ વર્ષ 2012માં  ત્યાં થાંભલા નાંખવામાં આવ્યા હતાં. હાલ ઘટાદાર બની ગયેલા વૃક્ષોનું છેદન કરાતા પર્યાવરણપ્રેમીઓ અને વીજતંત્ર વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આજે વૃક્ષોનું વાવેતર કરનારા ઓછા છે અને  તેને કાપવા વાળાની સંખ્યા વધારે હોવાનું પર્યાવરણ પ્રેમીઓ કચવાટની લાગણી સાથે કહી રહ્યા છે ત્યારે પ્રજાકીય પ્રતિનિધિઓ પ્રબળ ઈચ્છાશક્તિ સાથે ગાંધીધામ સંકુલનો આ અટકાવાયેલો પ્રકલ્પ  આગળ ધપાવે અને વીજલાઈનના કારણે વૃક્ષોનું છેદન બંધ થાય તો સાચા અર્થમાં ગાંધીધામ સંકુલનું પર્યાવરણ મહદઅંશે  સારું બનશે તેવો મત જાણકારો વ્યકત કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer