નખત્રાણામાં નિયમોના ભંગની બેદરકારી નહીં ચલાવી લેવાય

નખત્રાણામાં નિયમોના ભંગની બેદરકારી નહીં ચલાવી લેવાય
નખત્રાણા, તા. 4 : લોકડાઉનના પાંચમા ચરણના અનલોક-1માં નિયમોને આધીન નાના-મોટા ધંધાર્થીઓને છૂટ તો મળી પરંતુ નિયમો અને જાહેરનામાનો ભંગ થતો હોવાથી વહીવટી તંત્રે કડક રૂખ અપનાવી દંડકીય કાર્યવાહી માટે અહીં પાંચ જેટલી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. અત્યાર સુધી એક પણ કોરોનાના પોઝિટિવ કેસ વિના મુક્ત રહેલા નખત્રાણા સહિત તાલુકામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગર કોઇને બેદરકારીથી સંક્રમણ થાય અને આખું ગામ સીલ થાય એવું જોખમ ઊભું ન થાય ત્યારે માત્ર દંડ નહીં, ગુનો પણ દાખલ કરાશે તેવું પ્રાંત અધિકારી જી. કે. રાઠોડે સ્પષ્ટતા કરતાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું હોવાથી તંત્રે કડક બનવું પડે છે. વધુમાં શાકભાજી, ચા-હોટલ, પાન-બીડી, મીઠાઇ-ફરસાણવાળા બેદરકારી દાખવતા હોવાની ફરિયાદ મળી છે. નિયમોનું પાલન થતું ન હોવાના કારણે આખા નગરમાં ગમે ત્યારે ચેકિંગ હાથ ધરાશે. કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝ વગર જણાશે તો આકરાં પગલાં લેવા સિવાય છૂટકો નથી. પોલીસ આટલી સતર્ક છતાં અમુક લોકો પાલન નથી કરતા, આથી હવે કોઇ ઢીલાશ નહીં મુકાય. નખત્રાણા ડે. કલેક્ટરની સૂચના મુજબ નગર પોલીસ, રેવન્યૂ-તલાટી, ગ્રામ પંચાયત, મામલતદાર ટીમ તમામ સ્થળોએ તપાસ કરશે. સ્થળ પર દંડકીય કાર્યવાહી સાથે સામાજિક અંતર નહીં જળવાય તેમના ફોટા પાડી શોધીને પણ કાર્યવાહી કરવામાં આવશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer