સંકટ સમયે ડેપા ગામના લોકો માટે આવી પહોંચી મદદ

સંકટ સમયે ડેપા ગામના લોકો માટે આવી પહોંચી મદદ
ભુજ, તા. 4 : જ્યારે-જ્યારે પણ કચ્છ ઉપર કોઈ કુદરતી આફત આવે ત્યારે છેલ્લા અનેક વર્ષોથી સેવા હી સાધનાના સંકલ્પને સાકાર કરતી બંને સંસ્થાના સર્વ સેવા સંઘ (કચ્છ) તથા ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સદાય સેવા માટે તત્પર રહે છે. હાલે મુંદરા તાલુકાના ડેપા ગામે કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નીકળતાં સંપૂર્ણ ગામ 14 દિવસ માટે કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાતાં ગામમાં રહી રોજનું કમાઈ રોજનું ખાનારા પરિવારોને રાશનની જરૂરિયાત પૂરી પાડી હતી. સરપંચ મહિપતસિંહ જાડેજાની રજૂઆત બંને સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા સમક્ષ આવતાં તેમણે તુરંત જરૂરતમંદ 50 પરિવારો માટેની રાશનકિટ તથા 500 જેટલા માસ્કનું વિતરણ કરવા સંસ્થાના ખજાનચી હરેશભાઈ ગોગરી તથા જનરલ મેનેજર અંકિત ગાલાને રૂબરૂ સ્થાનિકે ડેપા ગામે મોકલાવીને ગામના સરપંચને સુપરત કર્યાં હતાં. સરપંચે જ્યારે જ્યારે મદદની જરૂરત પડે છે ત્યારે ત્યારે બંને સંસ્થાના અધ્યક્ષ દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવે છે તે બદલ આભાર માન્યો હતો. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી કચ્છ જિલ્લામાં જરૂરતમંદ પરિવારોને રાશનકિટ ત્યારબાદ કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને સર્વ સેવા સંઘના ટ્રસ્ટી જિગરભાઈ છેડાની પહેલથી માંડવી તાલુકાના મસ્કા ગામ અને તેની આસપાસના ગામોની બહેનો દ્વારા બનાવવામાં આવેલા વોશેબલ એક લાખ માસ્કનું કચ્છ જિલ્લામાં નિ:શુલ્ક વિતરણકાર્ય ચાલુ છે. હજુ પણ વધુ માસ્કની જરૂરિયાત ઊભી થશે તો માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer