ગાંધીધામમાં કોંગ્રેસે વીજળી બિલોની જાહેરમાં હોળી કરી

ગાંધીધામમાં કોંગ્રેસે વીજળી બિલોની જાહેરમાં હોળી કરી
ગાંધીધામ, તા. 4 : વીજ તંત્ર દ્વારા છેલ્લા ત્રણેક મહિનાના ચડત બિલ લોકોને અપાયા છે. આવા બિલમાં યુનિટ દીઠ ભાવ વધેલા હોવાથી લોકો ભરી શકે તેમ નથી. શહેર કોંગ્રેસે આવા બિલની હોળી કરી આવા તમામ બિલ માફ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી. વૈશ્વિક મહામારી કોરોના થકી આદરાયેલા લોકડાઉનથી લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઈ છે. આવામાં વીજ કંપની દ્વારા છેલ્લા અઢીથી ત્રણ મહિનાના બાકી રહી ગયેલા ચડત બિલ લોકોને આપવામાં આવી રહ્યા છે. જેમાં યુનિટ વધારે હોવાથી લોકોને વધુ રકમના બિલ મળી રહ્યા છે. જેમ-જેમ યુનિટ વધે તેમ યુનિટ દીઠ ભાવ પણ વધી જતા હોય છે. ત્રણ મહિના સુધી તંત્રે લોકોને બિલ ન આપ્યા અને હવે વધુ યુનિટવાળા બિલ પકડાવવામાં આવે છે. આવામાં મધ્યમવર્ગીય લોકો વીજબિલ ભરશે કે પોતાના પેટ ભરશે તેવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. તંત્રના આવા વલણના વિરોધમાં આજે શહેર કોંગ્રેસે ઝંડા ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આવા વીજ બિલની હોળી કરવામાં આવી હતી. કોંગ્રેસે આ ત્રણ મહિનાના વીજબિલ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે તેવી માંગ રાજ્ય સરકાર સમક્ષ કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધી, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ચેતન જોશી તથા ભરત ગુપ્તા, કપિલ પાંધી, લતીફ ખલીફા, બળદેવસિંહ ઝાલા, દશરથસિંહ ખંગારોત, પરબતભાઈ ખટાણા, ડિમ્પલ આચાર્ય વગેરે હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer