અંજારમાં વરસાદી નાળાં સફાઈ શરૂ :દબાણકારોને હટી જવા થઈ તાકીદ

અંજારમાં વરસાદી નાળાં સફાઈ શરૂ :દબાણકારોને હટી  જવા થઈ તાકીદ
અંજાર, તા. 4 : આગામી વરસાદી મોસમને ધ્યાને લઈને આ ઐતિહાસિક નગરમાં સુધરાઈ દ્વારા વરસાદી નાળાંની સફાઈના શ્રીગણેશ કરાયા છે. પાલિકાએ અવરોધરૂપ દબાણકારોને નોટિસ પણ ફટકારી હતી. વરસાદી પાણીના નિકાલ અર્થે નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં નાળાં સફાઈનું કાર્ય શરૂ કરાયું છે. તાજેતરમાં ચિત્રકૂટ ચાર રસ્તા નજીક આવેલી  સાંગ નદીનાં પાણીનાં વહેણમાં રહેતા લોકોને પાલિકા દ્વારા અત્રેથી હટી જઈ સુરક્ષિત સ્થળે  જતા રહેવા નોટિસ સ્વરૂપે  કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંથી  કેટલાક દબાણોને પણ દૂર કરાયાં હતાં. વરસાદને  ધ્યાને નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગ રૂપે અનેક પગલાં ભરવામાં આવ્યાં છે. નોંધપાત્ર છે કે છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેશનની દીવાલને અડીને  આવેલાં નાળાંની પહોળાઈમાં ઘટાડો થતાં પાણી અવરોધાવાનો પ્રશ્ન ઉદ્ભવશે તેવી રાવ ઊઠી છે. તેમજ  પોલીસ આવાસ નિર્માણ અર્થે જૂના તોડાયેલા આવાસનો મલબો બસ સ્ટેશનની દુકાનો પાછળના ભાગે ઠાલવવામાં આવ્યો છે. જેથી અત્રે પણ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉદ્ભવશે તેવું નાગરિકોએ કહ્યંy હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer