8મીથી ધાર્મિક સ્થાનો ખોલવાની તૈયારીઓ શરૂ

ભુજ, તા. 4 : લોકડાઉનના પગલે ધાર્મિક સ્થાનોના દ્વાર પણ? બંધ થઇ ગયા હતા. હવે જ્યારે 8મીથી ધાર્મિકસ્થાનો સરકારની માર્ગદર્શિકા મુજબ ખોલવાની જાહેરાત થઇ છે ત્યારે કચ્છના ધાર્મિકસ્થાનોના સંચાલકોએ આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મર્યાદિત સંખ્યામાં જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવાના હોવાથી તે માટેની પણ ગોઠવણમાં વ્યવસ્થાપકો પરોવાયા?છે. આમ હવે લોકો કોરોનાની મહામારીમાંથી મુકત થાય તે માટે મંદિરોમાં પ્રાર્થના, મસ્જિદોમાં ઇબાદતો થશે. આમ, પુન: ઘંટનાદ, આજાન, ગુરબાની, આરતી ગાજશે. આથી મહામારી સામે શ્રદ્ધાનો કવચ મળશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતેથી આશાપુરા મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે તા. 8/6થી ખોલવામાં આવશે ત્યારે માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, મહામારી કોરોનાને કારણે માતાજીનું મંદિર તા. 20 માર્ચથી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું અને આજે સરકારની સૂચનાથી 8/6થી માઇભકતો માટે દર્શન કરવાની છૂટ અપાશે અને હજારો યાત્રિકો મા આશાપુરાના દર્શન કરી શકશે. સાથે મહંતે જણાવ્યું હતું કે, દેશદેવી આશાપુરાજીનું મંદિર આગામી આઠ જૂનથી દર્શન માટે  ખલશે. આ અંગે  સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં અલગ અલગ વિગતો પોતાની ધારણા મુજબ મૂકવામાં આવી છે, પણ નીચે મુજબ વ્યવસ્થાથી યાત્રિકો માટેદર્શનાર્થે ખોલવામાં આવશે. તેવી મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું. મા. મઢમાં દર્શને આવતા સર્વે માઇભકતોને સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ટ્રસ્ટ તરફથી હાથ ધોવા તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરાશે.  દરેક યાત્રિકોને માસ્ક પહેરવાનું ફરજિયાત છે. પ્રથમ તબક્કામાં ભોજન પ્રસાદ તેમજ રાત્રિ રોકાણ માટે ધર્મશાલા અમારા ટ્રસ્ટ તરફથી બંધ રખાશે. આરતી સમયે મંદિરમાં પ્રવેશ બંધ રહેશે. મંદિરનો સમય સવારે પાંચથી એક તેમજ બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે તેવું મઢ જાગીરના અધ્યક્ષે જણાવ્યું હતું. દરમ્યાન ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ સમિતિના જણાવ્યા અનુસાર મંદિર ખોલવાના સમય પૂર્વે સમગ્ર મંદિર સાફસૂફ કરી સેનિટાઇઝ કરાશે.  દર્શનાર્થીઓએ મોં ઉપર માસ્ક કે રૂમાલ બાંધવો, સામાજિક અંતર જાળવવું અને પરિસરમાં ખાસ સ્ટીકર ચોંટાડવામાં આવેલા છે તેના ઉપર ઊભા રહીને દર્શન કરવાના રહેશે. મંદિરમાં બિનજરૂરી સ્પર્શ કયાંય કરવો નહીં. પ્રસાદ, શ્રીફળ, ફૂલહાર નિજ મંદિરમાં ચડાવવામાં આવશે નહીં, જો ભક્તો લઇ આવે તો ઊંબરાને પોતે અડાડી પરત લઇ જવાના રહેશે તેમજ ચરણામૃત, સૂકી પ્રસાદી રાખવામાં આવશે નહીં. મંદિરનાં દર્શનનો સમય સવારે 5-45થી બપોરે 12 કલાક અને સાંજે 5 વાગ્યાથી રાત્રિના 8-30 વાગ્યા સુધી રહેશે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી તુરંત સંકુલ છોડી દે તેને ખાસ પ્રાધાન્ય અપાશે તેવું મંદિરના ટ્રસ્ટી જાદવજી ગોરસિયાએ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની દરેક સૂચનાઓનું પાલન કરાશે. આ ઉપરાંત મંદિર સંકુલ વિશાળ હોવાથી દર્શનાર્થીઓ ક્યાંથી પ્રવેશીને દર્શન કરી ઝડપભેર કઇ બાજુથી નીકળી શકે જેથી સામાજિક અંતર જળવાઇ રહે. તેની વ્યવસ્થા અર્થે એકાદ-બે દિવસ બેઠક બોલાવી નિર્ણયો લેવાશે. અનલોક-1માં 8મીથી ધાર્મિકસ્થાનો સરકારની માર્ગદર્શિકા મુજબ ખોલવામાં આવશે. આથી મસ્જિદમાં સરકારની સૂચનાની સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, હેન્ડવોશ, માસ્કનો ઉપયોગ જેવી તકેદારી સાથે અલ્લાહ સમક્ષ લોકો ઇબાદત કરી શકે તેવી તૈયારી થતી હોવાનું ભુજના ભીડચોક સ્થિત મસ્જિદે નૂરે મુસ્તફા (કુંભારવાળી મસ્જિદ)ના મુતવલી કુંભાર હાજી હારૂન હાજી ઇબ્રાહીમ તથા પેશ ઇમામ કૌશર આલમ શેખે તથા વાણિયાવાડ ચોક સ્થિત ગોવાળવાલી મસ્જિદના મુતવલી નોડે અભુભખર (પટેલ) હાજીભાઇ અને પેશ ઇમામ સૈયબ મૌલાનાએ જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર સ્થિત ત્રિવિક્રમરાયજી મંદિરના દ્વાર પણ સરકારની માર્ગદર્શિકા મુજબ ખોલાશે. જેમાં માસ્ક ફરજિયાત, સેનિટાઇઝરની વ્યવસ્થા અને સામાજિક અંતરને ખાસ પ્રાધાન્ય અપાશે તેવું જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજે જણાવ્યું હતું. કોટેશ્વર મહાદેવ મંદિરમાં પણ નિયમોના પાલન સાથે યાત્રિકો દર્શન કરશે તેવું દિનેશગિરિ બાપુએ જણાવ્યું હતું. ગાંધીધામના ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટના રાજુ નાઉમલના જણાવ્યા પ્રમાણે મંદિરમાં સવારે 7.45 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મારાજ એકલા જ આરતી કરતા હોય છે. આરતી બાદ સવારના બે કલાક  સુધી   છુટાછવાયા લોકો જ દર્શન માટે  આવતા હોય છે. બીજના તહેવારમાં વધુ સંખ્યા હોય છે. આગામી 25 તારીખે બીજ છે,  સરકારની માર્ગદર્શિકા પ્રમાણે તે અંગે નિર્ણય લેવાશે.  ગાંધીધામના ગુરુદ્વારામાં પણ  તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાશે તેવું ગુરુનાનક સિંઘસભાના મોહિન્દરસિંઘે જણાવ્યું હતું. સ્વચ્છતા, સામાજિક અંતર એ જીવનનો એક ભાગ બની ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું અને તમામ નિયમોનું પાલન કરાશે તેવું ઉમેર્યું હતું. લીલાશાહનગર સ્થિત નારાયણેશ્વર મહાદેવ મંદિર પણ દર્શનાર્થીઓ માટે લાંબા સમય બાદ ખૂલશે. મંદિરમાં સામાજિક અંતર સહિતના નિયમોનું અમલીકરણ કરાશે તેવું મોહન ધારશી ઠક્કરે જણાવ્યું હતું. આદિપુરના શિવ મંદિર ખાતે  મંદિરમાં એક સાથે માત્ર બે જણાને જ પ્રવેશ આપવામાં આવશે. સેનિટાઈઝરની વ્યવસ્થા કરાશે અને આરતી સમયે સામાજિક અંતર જળવાય તે માટેનો પૂરતો ખયાલ રખાશે તેવું શિવ મંડલીના અધ્યક્ષ શ્રી નવાનીએ જણાવ્યું હતું.   

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer