આદિપુરનો યુવાન કોરોના સંક્રમિત થયો

ગાંધીધામ, તા. 4 : શહેરના સેક્ટર પાંચ વિસ્તારમાં સુરતથી આવેલા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ કલાકોમાં મોત નીપજ્યાની ઘટના તાજી છે ત્યાં આજે આદિપુરના  વોર્ડ 1-એનો યુવાન સંક્રમિત હોવાનું બહાર આવતાં ગાંધીધામ-આદિપુર સંકુલમાં ચિંતાની લાગણી પ્રસરી છે.  તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે વોર્ડ 1-એની જયપાર સોસાયટીમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મળતી વિગતો મુજબ તેના પિતા લિવરની બીમારીથી પીડાતા હતા. ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં અઠવાડિયા સુધી સારવાર કર્યા બાદ ખાનગી વાહનમાં ગત તા. 30ના આદિપુર પરત ફર્યા હતા. મુકેશને બે દિવસ પૂર્વે તાવ અને શરદીના લક્ષણો જણાતાં સરકારી રામબાગ હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યો હતો. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને  આદિપુરમાં 64 બજાર ખાતે આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેમ્પલ આપવા માટે મોકલવામાં આવ્યો હતો.  આજે તે સંક્રમિત હોવાનું બહાર આવતાં આરોગ્ય વિભાગની ટુકડીએ સોસાયટી વિસ્તારમાં જઈને સર્વેની કામગીરી આદરી હતી. યુવાનને આદિપુરની હરિઓમ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ યુવાનને હોસ્પિટલમાં ચેપ લાગ્યો  હોવાનું અનુમાન આરોગ્ય વિભાગ લાગવી રહ્યો છે. ગાંધીનગરથી આવ્યા બાદ પિતા બીમાર હોવાથી ઘરની બહાર નીકળ્યો ન હતો. જો કે, તેના સંપર્કમાં આવેલા 22 જણને કવોરેન્ટાઈન કરવાની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા આદરવામાં આવી છે.  વધુ એક કેસ નોંધાતાં અત્યાર સુધી ગાંધીધામ તાલુકામાં કોરોનાના દર્દીઓનો આંક 7 થયો છે, તેમાંથી પાંચ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે,  જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું હતું. કચ્છનો કુલ આંક 83 પર પહોંચ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer