બુધવારે રાત્રે 12 વાગ્યે ખાવડામાં બોમ્બ જેવા ધડાકા બાદ વરસાદ

ખાવડા (તા. ભુજ) તા. 4 :ગઈ મધ્યરાત્રિએ બરાબર બાર વાગ્યે ભયાનક ગાજના કડાકા અને વીજના ચમકારા સાથે વરસાદ તૂટી પડયો હતો અને પચ્છમના આ મુખ્ય મથક ખાવડામાં એક ઈંચ (23 મિ.મી.) વરસાદ નોંધાયો છે. ગાજનો એક કડાકાનો અવાજ બોમ્બના વિસ્ફોટ જેટલો હતો અને વિદ્યુત પુરવઠો બંધ થઈ ગયો હતો. અચાનક આ વાતાવરણથી લોકો ડઘાઈ ગયા હતા, પરંતુ અગાઉ?મુજબ વરસાદને જોવા માટે બહાર નીકળવાની કોઈની હિંમત ચાલતી નહોતી. વિદ્યુત પુરવઠો આખી રાત બંધ રહ્યો હતો અને વહેલી પરોઢે પુન: શરૂ થયો હતો. ખાવડાના અગ્રણી ખેડૂત હાજી ઈસ્માઈલ સુમરાએ ખેડ જોગ ગણાવીને હજુ `પોખ' નહીં કરીએ, રાહ જોશું તેમ જણાવ્યું હતું. એક કહેવત પ્રમાણે `જેઠડીયામી અને પુણેઠિયા પુતર' ભાગ્યશાળીને જ મળે, ભારે પવન - ગાજવીજ સાથે રૌદ્ર સ્વરૂપમાં પચ્છમમાં વરસાદ થયો હતો. ખાવડા સિવાય પૂર્વના ગામડાઓમાં તુગાથી હાજી રાયસલના જણાવ્યા પ્રમાણે પોણા ઈંચ જેટલો વરસાદ થયો અને નદી-નાળાંમાં પાણી વહી નીકળ્યાં હતાં. બાકી સમગ્ર પંથકમાં સામાન્ય છાંટા હોવાના સમાચાર મળ્યા છે. ખાસ કોઈ મોટા નુકસાનના વાવડ નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer