ગાંધીધામની મહિલાની સ્મશાન યાત્રામાં 75 લોકો જોડાયા હોવાનું પ્રકાશમાં

ગાંધીધામ, તા. 4 : કોરોના વાયરસનાં સંક્રમણને નાથવા જિલ્લા કલેક્ટર દ્વારા અંતિમવિધિમાં  માત્ર 20 જણને જ મંજૂરી આપવામાં આવે છે ત્યારે  ગાંધીધામમાં કોરોનાથી મૃત્યુ પામેલા આઘેડની પત્નીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાની વાત બહાર આવતાં ચકચાર પ્રસરી છે. શહેરના સેક્ટર પાંચ વિસ્તારમાં રહેતા  60 વર્ષીય વૃદ્ધ સુરતના લિંબાયતમાં રહેતા હતા. તેમની પત્નીનું અવસાન થતાં પુત્રોની ઈચ્છા મુજબ મૃતદેહને  ગાંધીધામ લાવ્યા હતા. ગત તા. 30ના પત્નીની અંતિમ વિધિ કરી હતી. બાદમાં  વૃદ્ધની તબિયત બગડતાં તેમને હરિઓમ હોસ્પિટલમાં ખસેડાયા હતા.  બાદમાં તેઓ  કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતાં તેમને ભુજ ખસેડાયા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં જ કોરોના સામેનો જંગ તેઓ  હારી ગયા હતા. તેમના પત્નીની સ્મશાન યાત્રામાં 100થી વધુ લોકો જોડાયા હોવાની ચર્ચાએ ગાંધીધામ સંકુલમાં જોર પકડયું હતું. આરોગ્ય વિભાગે  સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોની યાદી તૈયાર કરતાં આજે 75 લોકો જોડાયા હોવાનું  બહાર આવ્યું હતું. આ પૈકી 16 જણને સંસ્થાકીય ક્વોરેન્ટાઈન અને બાકીના 60 જણને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા. અગાઉ પણ અનેક સ્મશાન  યાત્રામાં 20થી વધુ  લોકો જતા હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું. આ અંતિમ વિધિમાં સત્તાવાર 76 લોકોની યાદી બની છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવા છતાં હજુ સુધી આ મામલે ફોજદારી ફરિયાદ ન નોંધાતાં આશ્ચર્ય પ્રસર્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer